સરકારી કે ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાના શિક્ષકો ટ્યૂશન કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે

હાલમાં અનેક એવા શિક્ષકો છે, જે સરકારી શાળામાં ભણાવતા હોય છે, પરંતુ સાથો સાથ પોતાના ખાનગી ટ્યૂશન ક્લાસ પણ ચલાવતા હોય છે. જો કે, આ અંગે 2009 અને 2010માં સરકાર દ્વારા કાયદો બહાર પાડવામાં આવ્યો હતો કે કોઈપણ સરકારી શિક્ષક અથવા ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાના શિક્ષકો ટ્યૂશન કરતા પકડાશે, તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ત્યારે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નિયમ મુજબ શિક્ષકો માટે ટ્યૂશન ચલાવવું માન્ય નથી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે. તેથી હવે આવનારા સમયમાં જો કોઈ સરકારી કે ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાના શિક્ષકો ટ્યૂશન કરતા પકડાશે, તો તેમની સામે યોગ્ય અને કડક પગલા લેવામાં આવશે.
ડો. ડિંડોરે વધુમાં જણાવ્યું કે, જે શિક્ષકોને પગાર સરકાર તરફથી મળે છે, તેમને ટ્યૂશન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. શિક્ષકનું કાર્ય માત્ર શાળામાં રહીને બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું છે. જો શિક્ષક બહાર ખાનગી ટ્યૂશન શરૂ કરે છે, તો તે પોતાની નૈતિક ફરજ ભૂલી જાય છે. આવી પ્રવૃત્તિઓ શિક્ષણની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઉભા કરે છે.
શિક્ષણમંત્રી ડિંડોરે કહ્યું કે, “અમે આવનારા સમયમાં જ્યાં પણ આવી પ્રવૃત્તિઓની માહિતી મેળવીશું, ત્યાં તરત કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષક એટલે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત અને તેમના ભવિષ્યના નિર્માતા છે. તેમણે નિયમોના અંતર્ગત રહીને જ કાર્ય કરવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે સરકારના બનાવેલા નિયમો શિક્ષણની નીતિ અને ગુણવત્તા જાળવવા માટે છે. જો શિક્ષક ટ્યૂશન કરે છે, તો તે સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આવી પ્રવૃત્તિઓ રાજ્ય સરકારે સહન નહીં કરે.
ડિંડોરે એમ પણ ઉમેર્યું કે ટૂંક સમયમાં આ અંગે વિશેષ તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જેના આધારે વધુ શિક્ષકો સામે કાર્યવાહી થશે. સરકાર શિક્ષકોની કામગીરી પર સતત નજર રાખી રહી છે અને જો કોઈ શિક્ષક નિયમોને અવગણે છે, તો તેની સામે ચોક્કસ કાયદેસર પગલાં લેવામાં આવશે. એટલે હવે જો કોઈ સરકારી કે ગ્રાન્ટેડ શિક્ષક ટ્યૂશન કરે છે, તો તેમની હવે ખેર નથી! શિક્ષણ વિભાગ આ બાબતે સચોટ અને કડક પગલાં તરફ આગળ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓના હિત માટે શિક્ષકો પાસેથી સરકાર ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની અપેક્ષા રાખે છે.




