આણંદ જિલ્લાને રૂ.૨૩૦.૨૯ કરોડ વિકાસ કાર્યો માટે ફારવણી

આણંદ જિલ્લાને રૂ.૨૩૦.૨૯ કરોડ વિકાસ કાર્યો માટે ફારવણી
તાહિર મેમણ – આણંદ – 02/02/2025 – આણંદ જિલ્લાના બોરસદથી રૂ.૨૩૦.૨૯ કરોડના ૯૧ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ ઉપર હોય અને વિકાસ માટે કેવું વિઝન હોય ? તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના વિકાસ મોડેલ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પૂરૂ પાડ્યું છે.
મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૮, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૫૭ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના ૧૬, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના ૪, પ્રાથમિક શિક્ષણ વિભાગના ૬ સહિત કુલ ૯૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેને પરિણામે આણંદ જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે.
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ત્રીજા કાર્યકાળમાં આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં દેશના સામાન્ય માનવીના સંગીન વિકાસનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. ગામડાઓ સુધી રોડ કનેક્ટિવિટી વીજળી તેમજ મલ્ટિસ્પેશ્યાલિટીઓનો વ્યાપ આ બજેટમાં વધારવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગામડાઓને માર્ગોના માળખા સાથે જોડવા માટે આ યોજના શરૂ કરાવી હતી અને આજે ૧૫ હજાર ગામડાઓના ૩ કરોડ જેટલા નાગરિકો માટે ૮૦ હજાર કિલોમિટર માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.




