ડેપ્યુટી સ્પીકર પદેથી જેઠા ભરવાડનું રાજીનામું, નવા જૂનીના એંધાણ

ગુજરાતની રાજનીતિને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને જેઠા ભરવાડે રાજીનામું સોપ્યું છે. શાસક પક્ષ તરફથી સૂચના મળતા રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
જેઠા ભરવાડ પંચમહાલના શહેરાના ધારાસભ્ય છે. તેમજ સહકારી સંસ્થાઓ સાથે જેઠા ભરવાડ જોડાયેલા છે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદ પરથી અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ સર્જાવા પામ્યો છે.
વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે અચાનક જ તેઓના પદ પરથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી જવા પામ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના સંગઠન મંત્રી રત્નાકર અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ તેઓએ રાજીનામું સોંપ્યું ત્યારે હાજર હતા. જેઠા ભરવાડે ક્યાં કારણોસર રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પંચમહાલિ જિલ્લાની શહેરા બેઠક પરથી ભાજપે સીટીંગ ધારાસભ્યને રીપીટ કર્યા હતા. જે બાદ આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. શહેરાની જનતાએ ફરી જેઠા ભરવાડ પર વિશ્વા મુકી તેઓને વિજયી બનાવ્યા હતા.





