GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ઑરોવિલ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડના સભ્યોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન મેળવ્યું

ડૉ. શ્રીમતી જયંતી એસ. રવિ સાથે ઑરોવિલના પ્રતિનિધિઓની રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત

ઉષા નગરી-ઑરોવિલમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઑરોવિલ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડના સભ્યોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવાની સંમતિ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

ઑરોવિલ ફાઉન્ડેશનના ઈન્ચાર્જ સેક્રેટરી અને ગુજરાતના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. શ્રીમતી જયંતી એસ. રવિ સાથે ઑરોવિલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી.

શ્રી અરવિંદના આધ્યાત્મિક સહયોગી – મા મીરા અલ્ફાસા દ્વારા સ્થાપિત ઑરોવિલમાં 60 થી વધુ દેશોના નાગરિકો વસે છે. માનવ એકતા અને ચેતનામાં પરિવર્તન માટે દુનિયાના પહેલા અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય પ્રયોગને યુનેસ્કોએ પણ સમર્થન આપ્યું છે. આધ્યાત્મિક નગર-ઑરોવિલને ફરતે 15 ચોરસ કિલોમીટર વિસ્તારનો ગ્રીન બેલ્ટ છે. અહીં કૃષિ વિસ્તારમાં ઑરોવિલના નાગરિકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઉત્સુક છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઑરોવિલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રાકૃતિક કૃષિ વિશે પ્રાથમિક સમજણ આપી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નિષ્ણાતો, અન્ય કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞો અને પ્રાકૃતિક કૃષિ વિશેષજ્ઞો તરફથી સઘન તાલીમ મળી રહે તે માટે રૂપરેખા તૈયાર કરવા માટે રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાના પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’ની અંગ્રેજી અનુવાદિત આવૃત્તિ – ‘નેચરલ ફાર્મિંગ’ પણ સૌ પ્રતિનિધિઓને અર્પણ કરી હતી.

ડૉ. શ્રીમતી જયંતી એસ. રવિ સાથે ગુજરાતના સેક્રેટરી (લેન્ડ રિફોર્મ્સ) શ્રી પી. સ્વરૂપ અને ઑરોવિલ ફાઉન્ડેશનના ડૉ. નિરિમા ઓઝા. પ્રો. ગૌતમ ઘોષાલ, પ્રો. આર. એસ. સર્રાજુ, ડૉ. આર. ધનલક્ષ્મી, સુશ્રી અનુરાધા મજુમદાર. શ્રી જોસેબા માર્ટિનેઝ, શ્રી ચંદ્રેશ પટેલ, ડૉ. સંજીવ રંગનાથન અને શ્રી પેડ્રો ગૈસપાસ રાજભવન પધાર્યા હતા.

Back to top button
error: Content is protected !!