ક્ષત્રિયો મુદ્દે ભાજપના વધુ એક નેતાની જીભ લપસી, ભૂતપૂર્વ રાજવી ભડક્યા

ક્ષત્રિયો મુદ્દે ભાજપના વધુ એક નેતાની જીભ લપસી છે. ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે એક કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઈતિહાસ વિશે ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, ભારતમાં પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. જેમાં ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષા કરવાની હતી. પરંતું અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદના કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો.
જયરાજસિંહને નિવેદનને લઈ માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ તેમજ જયરાજસિંહ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. યોગરાજસિંહે તેઓને ચાલુ ભાષણમાં અટકાવ્યા હતા અને કહ્યું કે, તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવો છે. ક્ષત્રિય સમાજના ઈતિહાસને લઈ થોડાક સમય માટે બંને વચ્ચે તું…તું…મે…મે થઈ હતી. જે બાદ માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ ઉભા થઈને કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. વિવાદ વધે નહી તે માટે કાર્યક્રમમાં હાજર લોકો દ્વારા બંનેને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.
ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, માણસા કોલેજ ખાતે સર્ટિફિકેટ કોર્સ માટેનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રવક્તા તરીકે હું ત્યાં ગયો હતો. માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ સ્થાનિક હોવાના કારણે તેમને બોલાવવામાં આવ્યા હતા. મુખ્ય પ્રવક્તા તરીકે હું ત્યાં ગયો હતો. 5000 વર્ષ જૂનો ઈતિહાસ છે. આપણા દેશને સોનાની ચીડીયા કહેવાતો હતો. તેમજ અફઘાનિસ્તાન સુધી આપણું શાસન હતું. આપણે ગુલામ થયા હતા અને કેટલાય લોકોએ આપણી ઉપર રાજ કર્યુ હતું. તેમ કાર્યક્રમમાં મે કહ્યું હતુ.
આપણા ઉપર અંગ્રેજો અને મુઘલ શાસનો દરેક લોકોએ રાજ કર્યું છે. જ્યારે-જ્યારે આપણે ગુલામ થયા છે. ત્યારે આપણા કુસંપ, અંધશ્રદ્ધા અને વધુ પડતી ધાર્મિકતાના કારણે તેમજ વર્ણવ્યવસ્થાના કારણે જેમાં રંગભેદથી લઈને તમામ બાબતો હતી. માત્ર ક્ષત્રિયોના ભાગે જ લડવાનું આવ્યું હતું. તેની જવાબદારી માત્ર ક્ષત્રિયો ઉપર હતી, જેથી ધીમે-ધીમે ક્ષત્રિયો ઓછા થતા ગયા અને સંખ્યા ઓછી થઈ, જેથી ક્ષત્રિય સમાજ જે નાનો વર્ગ છે જે લડતો હતો. બાકી બધા પોતપોતાના કામમાં પરોવાયેલા હતા, જેથી આપણે ગુલામ થયા હતા. બાદમાં આપણે ફરી આઝાદી મેળવીને આઝાદ પણ થયા હતા.
મારી વાત ચાલુ હતી તે દરમ્યાન રાજવી યોગરાજસિંહ રાઓલ ઉભા થઈને બોલવા લાગ્યા હતા કે, આપણે ક્યારેય ગુલામ થયા નથી. અમારૂ સ્ટેટ હતું ત્યારે ગુમાલ થયા જ નથી તેવી વાત કરતા હતા. કાર્યક્રમમાં બધાને તેમની ખબર જ હતી. કાર્યક્રમમાં બધી બાબતો સામે આવી નથી. જે બાદ લોકોએ કહ્યું કે, એમને ખ્યાલ આવતો નથી. જયરાજસિંહ તમે રહેવા દો, આ બાબતમાં વધારે પડશો નહી. તેઓ રાજવી છે અહીંયા ભણેલા નથી બહાર ભણેલ છે. કાર્યક્રમ દરમ્યાન વર્ણવ્યવસ્થાની વાત કરી હતી. જેમાં બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર તેમજ ક્ષત્રિયની વાત કરી હતી.
આ બાબતે યોગરાજસિંહને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું તે વ્યક્તિને અંગત રીતે ઓળખતો નથી. અને તેમની સાથે મને કોઈ વાંધો પણ નથી. મને તેઓ જે બોલી રહ્યા હતા તેમાં ઈતિહાસના તથ્યોનો આધાર લેવાયો ન હતો. તેઓ બકવાસ કરી રહ્યા હતા. જે મારાથી સહન ન થયું. એટલે જ મે વાતનો પ્રતિકાર કર્યો હતો. જે બાદ હું કાર્યક્રમ છોડીને જતો રહ્યો હતો.





