GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં ઓક્ટોબર માસ સુધી દર ગુરુ અને શુક્રવારે જુના કપડાંમાંથી નિઃશુલ્ક થેલી મેળવી શકાશે

તા.૧૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકુમાર

સ્વસહાય જુથના બહેનો બનશે પ્લાસ્ટિકમુક્ત અભિયાનના વાહકો…

જીન્સનું પેન્ટ, કુર્તા કે ડ્રેસની રૂપકડી થેલી મહિલાઓને અપાવશે શોપિંગનું ગૌરવ..

Rajkot: પ્લાસ્ટિકનું ઝબલું આપોને.. મોટા ભાગે ખરીદી કરનાર ગ્રાહકોની આ માંગ દુકાનદાર માટે સામાન્ય હોય છે. ખરીદેલી વસ્તુને ઘરે લઇ જવા માટે આપણે સાથે કપડાંની થેલી રાખવાનું તો સાવ ભૂલી જ ગયા છીએ. અને દુકાનદારો ‘‘ગ્રાહકોને સંતોષ એ જ અમારો મુદ્રાલેખ’’ના સૂત્ર સાથે કમને પ્લાસ્ટિકના ઝબલા આપી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ‘‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’’ હેઠળ સૌથી વધુ ચલણમાં રહેલા પ્લાસ્ટીકના ઝબલા પર પ્રતિબંધ મુકાયો છે. લોકોની સમજદારી સાથે પ્લાસ્ટીકને રોજિંદા જીવનમાંથી સંપૂર્ણ દૂર કરવું જરૂરી છે. કારણકે પ્લાસ્ટિકનો નાશ કરવો ખુબ મુશ્કેલ છે અને તે પર્યાવરણને પણ બેહદ નુકસાન કરે છે. આ તકે મહાનગરપાલિકા સહીત નગરપાલિકાઓ દ્વારા લોકોને પ્લાસ્ટિકના ઝબલાંના વ્યસનથી મુક્ત કરવા વેસ્ટમાંથી બેસ્ટ થીમ સાર્થક કરતો નવતર અભિગમ સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના સંયુક્ત ઉપક્રમે ‘માય થેલી’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આપણે જાણીએ છીએ કે એક પણ એવું ઘર નહીં હોય કે જેમની પાસે જુના વપરાશના કપડાં ન હોય. તો આવા જુના કપડાં છે, તેનું શું કરવું ? બસ, આ જ વિચારને સદાચારમાં ફેરવી આપે છે ‘માય થેલી’ પ્રોજેક્ટ.

રાજ્ય સરકારના લાઈવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સખી મંડળની બહેનોને તેમનું આર્ટ પ્રદર્શિત કરવા રાજ્ય સરકાર દ્વારા તેઓને પ્રોત્સાહક કામગીરી, ભંડોળ અને વેચાણ માટે મેળાઓનું આયોજન કરી આપવામાં આવે છે. ત્યારે આજ બહેનો તેમની સીવણની સ્કિલ થકી ‘‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત’’ અભિયાનના વાહક બન્યા છે.

રાજકોટ જિલ્લામાં જસદણ, જેતપુર નવાગઢ, ગોંડલ, ભાયાવદર સહિતની નગરપાલિકા વિસ્તારની જાહેર જનતાને પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અન્વયે ‘માય થેલી’ ઇવેન્ટમાં નગરપાલિકાના સ્વ સહાય જુથો (સખી મંડળ)ના બહેનો દ્વારા જુના કપડા લઈને આવશે તેઓને જુના કપડાંની થેલી વિનામૂલ્યે સ્થળ પર જ બનાવી બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત ઓક્ટોબર માસ સુધી દર ગુરુ અને શુક્રવારે થેલી બનાવી આપવામાં આવશે.

હવે માર્કેટમાં જ્યારે મહિલાઓ શોપિંગ કરવા જશે ત્યારે હાથમાં ઘરના સભ્યોના જીન્સના પેન્ટ કે ટૂંકા પડી ગયેલા ડીઝાઇનર કપડાંમાંથી બનેલી ફેશનેબલ થેલી હશે, ગરિમામય શોપિંગની અનુભૂતિ સાથે પ્લાસ્ટિકમુક્ત અભિયાન પણ સફળ બનશે. આમ કપડાંનો પૂરેપૂરો વપરાશ કર્યા પછી હવે તેનો થેલી તરીકે ઉપયોગ થતા એવું કહેવાય કે, ‘આમ કે આમ ગુટલીઓ કે ભી દામ’

Back to top button
error: Content is protected !!