કેન્દ્રીય નાણાં પંચ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ કરી મહત્વપૂર્ણ મુલાકાત.
ગુજરાતમાં ફરીથી ભૌગોલિક, આર્થિક અને સામાજિક સર્વે કરવામાં આવે અને પછાત વિસ્તારોને અલગથી વિશેષ ભંડોળ ફાળવવામાં આવે: મનોજ સોરઠીયા

16મા નાણાં પંચના અધ્યક્ષ ડો અરવિંદ પનાગરિયા સાથે ‘આપ’ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના ડેલિગેશને કરી મુલાકાત.
કેન્દ્રીય નાણાપંચની જેમ ગુજરાતમાં પણ રાજ્ય નાણાપંચનું ગઠન કરવામાં આવે: મનોજ સોરઠીયા
તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને સીધું નિયત ભંડોળ પૂરું પાડવામાં આવે અને રાજ્ય સરકારની રોકટોક વગર તેને સ્વતંત્ર રીતે ઉપયોગ કરવા દેવામાં આવે: મનોજ સોરઠીયા
કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ગુજરાત માટે ખાસ “ક્લાઇમેટ રિસ્ક” ફંડ ફાળવવા આવે: મનોજ સોરઠીયા
અત્યારે કેન્દ્ર સરકારની આવકના 42% રાજ્યોને મળે છે, અમારું સૂચન છે કે રાજ્યોનો હિસ્સો વધારીને 50% કરવો જોઈએ: મનોજ સોરઠીયા
ગાંધીનગર
આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય નાણાપંચ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ મુલાકાત કરી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી અને પ્રદેશ મંત્રી અનુપ શર્માના એક ડેલીગેશને કેન્દ્રીય નાણાપંચ અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનાગરિયા સહિતના સભ્ય સાથે મુલાકાત કરી. આ દરમિયાન આમ આદમી પાર્ટી રજૂઆત કરી હતી કે, વર્તમાનમાં ગુજરાતમાં કોઈ રાજ્યનું નાણાપંચ નથી અને નાણાપંચ ન હોવાના કારણે ગુજરાતની પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આર્થિક સામાજિક અને બુનિયાદી સુવિધાઓના રિપોર્ટ તૈયાર થતા નથી. અને ગુજરાતમાં કેન્દ્રના નાણાપંચ દ્વારા ફાળવવામાં આવેલા ફંડનો પણ સાચો ઉપયોગ થતો નથી. માટે અમારી વિનંતી છે કે ગુજરાતમાં રાજ્ય નાણાપંચનું ગઠન કરવામાં આવે.
બીજી રજૂઆત કરવામાં આવી હતી કે ભૌગોલિક દૃષ્ટિકોણથી, ગુજરાતમાં માળખાકીય સુવિધાઓને લઈને મોટી અનિશ્ચિતતાઓ છે. ભૂતકાળમાં ગુજરાતમાં ભૌગોલિક, આર્થિક અને સામાજિક સર્વે કરવામાં આવ્યો હતો અને કેટલાક તાલુકા અને જિલ્લાઓને પછાત જાહેર કરાયા હતા. તેવી જ રીતે ગુજરાતમાં ફરીથી સર્વે કરવામાં આવે અને પછાત વિસ્તારોને અલગથી વિશેષ ભંડોળ ફાળવવામાં આવે.
ત્રીજી રજૂઆત હતી કે, ગુજરાતની મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. નગરપાલિકા પાસે રસ્તા, પાણી, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પૈસા નથી. સ્થાનિક વેરા કે અન્ય કોઈપણ માધ્યમથી આ નગરપાલિકાઓને સ્વનિર્ભર બનાવવી મુશ્કેલ છે. તેથી, નાણાપંચ દ્વારા ફાળવવામાં આવેલ ભંડોળ રાજ્ય સરકારના કોઈપણ રોક ટોક વિના ગુજરાતની તમામ પંચાયતોને સીધું આપવામાં આવે અને પંચાયતોને તે ભંડોળનો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ જેથી પંચાયતો તેમની જરૂરિયાત મુજબ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી શકે. નાણાપંચને તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને સીધું નિયત ભંડોળ પૂરું પાડવા વિનંતી કરવામાં આવે છે.
ચોથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત મોસમી ફેરફારોથી પ્રભાવિત વિસ્તાર છે. ગુજરાત વિશ્વમાં આબોહવા પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત પ્રદેશોમાંનો એક પ્રદેશ છે. ગુજરાતમાં 1600 કિમીથી વધુનો દરિયાકિનારો છે અને છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે તોફાનની સરેરાશ સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે દર વર્ષે ગુજરાત અને રાજ્યના ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે. અમે તમને આ આપત્તિનો સામનો કરવા માટે ગુજરાત માટે ખાસ “ક્લાઇમેટ રિસ્ક” ફંડ ફાળવવા વિનંતી કરીએ છીએ. અને ત્યારબાદ પાંચમી રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે કેન્દ્ર સરકારની આવકના 42% રાજ્યોને મળે છે, અમારું સૂચન છે કે રાજ્યોનો હિસ્સો વધારીને 50% કરવો જોઈએ.





