AHAVADANGGUJARAT

Dang:વઘઇ પોલીસ દ્વારા દમન કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ રેલી…

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ
વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે વઘઇ ખાતે અનંત પટેલનાં નેજા હેઠળ યોજાયેલ જનઆક્રોશ રેલીને ફ્લોપશો હોવાનું જણાવ્યુ..

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ડેમ બચાવો સંઘર્ષ સમિતિએ પોલીસનાં અત્યાચાર વિરુદ્ધ એક રેલી યોજી હતી.આ રેલીમાં આદિવાસી સમાજનાં હજારો લોકો વરસતા વરસાદમાં પણ જોડાયા હતા.આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલા લેવાની માંગણી કરવાનો હતો.આ આક્રોશનો ઉદ્ભવ 14મી ઓગસ્ટે પાર-તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનાં વિરોધમાં યોજાયેલી રેલી સાથે જોડાયેલો છે.ધરમપુર ખાતેની આ રેલીમાં જોડાવા જઈ રહેલા ડાંગનાં આદિવાસીઓને ડાંગ પોલીસે પ્રવેશદ્વાર વઘઇ ખાતે અટકાવ્યા હતા.પોલીસે વાહનોમાંથી ચાવીઓ લઈ લીધી હતી અને કેટલાક નેતાઓને બળજબરીથી અટકાયતમાં પણ લીધા હતા,જેના કારણે પોલીસ અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ.આ ઘટનાના વિરોધમાં, વઘઈ સર્કલથી પોલીસના દમન વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી.આ રેલીમાં હજારો લોકો જોડાયા હતા,જેમણે વઘઈના મામલતદાર મારફતે રાજ્યપાલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને  આવેદનપત્ર પાઠવ્યુ હતુ.તેમજ જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત ડાંગ કોંગ્રેસનાં પ્રમુખ સ્નેહલ ઠાકરે, ધરમપુરના કલ્પેશ પટેલ, સોનગઢના યુસુફ ગામીત, ડેમ સંઘર્ષ સમિતિના ભારકુભાઈ, કોંગ્રેસના કુંજાલી પટેલ,ધનજરાવભાઈ ભોયે, અને તરબેઝ અહેમદ બબલુ, ગમનભાઈ ભોયે,મોતીલાલભાઈ ચૌધરી, સૂર્યકાંત ગાવીત જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.આ રેલીમાં ખાસ કરીને ડાંગનાં રાજા ધનરાજસિંહ સૂર્યવંશીની હાજરીથી આદિવાસી સમાજમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.આ રેલી દરમિયાન, આંદોલનકારીઓએ વઘઈ પોલીસ સ્ટેશનના પી.આઈની બદલીની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.આ રેલી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે પહોંચી અને આવેદનપત્ર આપીને સમાપ્ત થઈ હતી.તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ,14 મી ઓગષ્ટે પોલીસ દ્વારા ખૂબ જ દમનગીરી કરવામાં આવી હતી.આદિવાસી યુવાનો, વડીલો ,માતા -બહેનોને ડીટેઇન કરી પોલીસ સ્ટેશનને લઈ જઈ ખોટી રીતે અટક કરી સમગ્ર મામલે પોલીસ દ્વારા લોકોને ઉશ્કેરવાનું જ કામ કરવામાં આવ્યું હતુ.છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને ખોટા કેસમાં ફસાવવા, તેમને હેરાન કરવા, અને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના બનાવો વધી રહ્યા છે.પોલીસનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ અહીં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. પોલીસના ડરને કારણે લોકો ખુલીને ફરિયાદ પણ કરી શકતા નથી આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને,આ મામલાની તાત્કાલિક અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ત્યારે આ અંગે આદિવાસી આગેવાન અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યુ હતું કે,”જે પોલીસ અધિકારીએ કે જે પી.આઈ. એ અહીંના આદિવાસી સમાજના લોકો ભાઈઓ- બહેનો સાથે 14મી ઓગસ્ટે જે દૂર વ્યવહાર કર્યો અને જે સંઘર્ષ કર્યો, તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવેલ છે.આદિવાસી સમાજ વિશે ખોટી માનસિકતા ધરાવતા કોઈપણ અધિકારી અમને અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી.આવનારા સમયમાં અમે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાના છે.ત્યારે પણ જો કોઈ એવા અધિકારી હશે તો અમે ચલાવી લઈશું નહી.અમે ડેમમાં પણ એક ઈંચ જમીન પણ આપવાના નથી કે એક ટીપુ પાણી આપવાના નથી”..

આ જનઆક્રોશ  રેલી સંદર્ભે સાંસદ ધવલભાઈ પટેલની પ્રતિક્રિયા….

વઘઈ ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલની જનઆક્રોશ રેલીનો ફિયાસ્કો થયો છે.અનંતભાઈ પટેલે 50,000 લોકો સાથે જનઆક્રોશ રેલી કરવાનો દાવો કર્યો હતો.પરંતુ વઘઇ ખાતે આ જનઆક્રોશ રેલીમાં માત્ર 200 લોકો જ જોડાતા આ રેલી ફલોપ સાબિત થઈ છે.ત્રણ લાખની આદિવાસી વસ્તી ધરાવતા ડાંગમાંથી 200 લોકો જ રેલીમાં જોડાતા સાબિત થઈ ગયુ છે કે વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ આદિવાસી સમાજને ડેમોનાં નામે ભટકાવી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!