GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

સ્પીપા ખાતે ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ’ પર રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન

વર્કશોપમાં રાજ્યના તમામ વિભાગોના તાલીમ અંગેના નોડલ અધિકારીશ્રીઓની જોડાયા
….
ગાંધીનગરના સેક્ટર-૨૬ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક શ્રી ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજિત આ કાર્યશાળામાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ અને વર્ગ-૧ તથા ૨ના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને વહીવટી શાસનને વધુ સંગીન બનાવવા મંથન કર્યું હતું.

આ વર્કશોપ દરમિયાન આઠ અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા એકીકૃત તાલીમ માળખું, તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ અને કેડર મુજબ સતત તાલીમ વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ મંથનમાં ખાસ કરીને આઈગોટ (iGOT) અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને સાંકળવા તથા સ્પીપા જેવી સંસ્થાઓને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડતા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓ સુધી તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ લર્નિંગના માધ્યમથી તાલીમ પહોંચાડવાના વિઝન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કાર્યક્રમના અંતે વહીવટી સુધારા માટે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના પુરાવા આધારિત સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ પ્રયાસ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ લોકભોગ્ય તેમજ કાર્યદક્ષ બનાવવા માટે એક બ્લુપ્રિન્ટ સમાન સાબિત થશે.

Back to top button
error: Content is protected !!