ગુજરાતમાં ટીબીમાં સતત વધી રહ્યા છે ટીબીના દર્દીઓ, ચાલુ વર્ષે 1.11 લાખ કેસ
પ્રતિ દિવસે સરેરાશ 380થી વધુ ટીબીના નવા કેસ સામે આવે છે. દેશમાં આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.35 લાખ સાથે મોખરે

ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. આ વર્ષે અત્યાર સુધીમાં જ 1.11 લાખથી વધુ ટીબીના કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 380થી વધુ ટીબીના નવા કેસ સામે આવે છે. દેશમાં આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.35 લાખ સાથે મોખરે છે. આ ઉપરાંત વર્ષ 2019થી 2023 દરમિયાન ટીબી સામે31,600 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટીબીના કારણે દરરોજ સરેરાશ 16 વ્યક્તિના મૃત્યુ થાય છે. રાજ્યમાં 19મી ઓક્ટોબર 2024 સુધીમાં ટીબીના 75,461 દર્દી સરકારી હોસ્પિટલો છે, જ્યારે 35,735 દર્દી ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. ગુજરાતમાંથી સૌથી વધુ 12,715 કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાંથી 8830 દર્દી સરકારી હોસ્પિટલમાં, જ્યારે 3885 દર્દી ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે.
અમદાવાદ ગ્રામ્યમાંથી ટીબીના કુલ 2989 કેસ છે. આમ, અમદાવાદ જિલ્લામાંથી જ 15,704 દર્દીનો સમાવેશ થાય છે. એકંદરે કહેવામાં આવે તો ગુજરાતમાંથી નોંધાતા ટીબીના કેસમાંથી 15 ટકા જેવા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત મ્યુનિસપલ કોર્પોરેશન 9289 સાથે બીજા સ્થાને છે. જ્યારે દાહોદ 7917 સાથે ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાંથી જૂન 2024 સુધીમાં જ 2784 દર્દીના ટીબીથી મૃત્યુ થયા છે. વર્ષ 2019થી 2023 દરમિયાન ગુજરાતમાં મેલેરિયાથી 2, ડેન્ગ્યુથી 47, ટાઇફોઇડથી 17 અને ન્યૂર્મોનિયાથી 4ના મૃત્યુ થયા છે. જેની સરખામણીએ ટીબીથી દરરોજ સરેરાશ 15 વ્યક્તિ જીવ ગુમાવે છે.
ડોક્ટરોના મતે, વાળ અને નખ સિવાય ટીબી શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટીબી કહેવાય છે. પલ્મોનરી ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે 90 ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે, તેના ચિહ્નોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે.
અંદાજે 25 ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી નીકળી શકે છે અને બહુ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી શકે છે. ગંભીર ટીબીમાં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે.
15થી 20 ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે. જેનાથી અન્ય પ્રકારનો ટીબી થાય છે, જેને એકસ્ટ્રાપલ્મોનરી ટીબી કહેવામાં આવે છે. આ પ્રકારનો ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. ટીબીના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યુબરક્યુલોસિસ કહે છે જેને જે એકસ્ટ્રાપલ્મોનરી કેસીસમાં આશરે 10 ટકા છે.




