GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા નહીં પાડી શકે ફરજ : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ

મેડિકલ સ્ટોરે લગાવવું પડશે સાઇન બોર્ડ

ગુજરાતમાં ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ, નકલી ડૉક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક હવે ગુજરાત સરકારની આંખ ઉઘડી છે. રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ, હવે ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી આ આદેશ આપવામાં આવ્યો છે.

સરકારને આટલાં વર્ષો બાદ હવે ધ્યાને આવ્યું કે, હોસ્પિટલો દર્દીને પોતાના જ કે હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા માટે ફરજ પાડે છે. એવી ગોઠવણ કરાય છે કે કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સ્ટોર સિવાય બીજે ક્યાંય મળતી નથી. એવામાં ગુજરાત સરકારે દર્દીઓને છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તે માટેનો નિયમ બનાવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલી ઇન હાઉસ મેડિકલ સ્ટોર પર-“આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર મુજબ તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને તકેદારી રાખવા સૂચના અપાઈ છે કે, રાજ્યમાં આવેલી હોસ્પિટલો સરકારના આ આદેશનુ કડક પાલન કરે તેનું ધ્યાન રાખવામાં આવે. આ સાથે “આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઇન બોર્ડ દરેક ઇન હાઉસ મેડિકલ સ્ટોરની બહાર લગાવાયા છે કે નહીં તેની તકેદારી રાખવા પણ કેહવાયું છે. આ સૂચના દવા લેવા આવનાર વ્યક્તિ સ્પષ્ટ રીતે વાંચી શકે તે મુજબ લગાવવાની રહેશે.

ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. એચ. જી. કોશીયા એ જણાવ્યું કે, ‘હોસ્પિટલનું નિયંત્રણ અમારા વિભાગ હેઠળ આવતું નથી. જેથી અમે હોસ્પિટલને આદેશ ન કરીએ શકીએ, પરંતુ મેડિકલ સ્ટોરને અમે કહી શકીએ. જેથી અમે મેડિકલ સ્ટોરને આદેશ કર્યા છે કે તેઓ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવું બોર્ડ લગાવે’. રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત તેમજ યોગ્ય ભાવે મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન વિભાગને રજૂઆત કરાઈ હતી. વિભાગના ધ્યાને આવ્યું હતું કે, રાજ્યમાં આવેલી હોસ્પિટલો દ્વારા સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને નાહકનું આર્થિક ભારણ સહન કરવું પડે છે.

આ વિશે વધુ માહિતી આપતાં કમિશનરે જણાવ્યું કે, ‘જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોના ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે’.

Back to top button
error: Content is protected !!