ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો

સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ તથા સેન્ટરના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતેથી ‘ઇન્સ્ટિટ્યુશનલ આર્બિટ્રેશન એટ અ ક્રોસરોડ્સ: ચેલેન્જીસ એન્ડ ધ વે ફોરવર્ડ’ વિષયક એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર્બિટ્રેશન સેન્ટરના ન્યૂઝલેટરનું વિમોચન અને સેન્ટરની રિ-ડિઝાઇન કરાયેલી નવી વેબસાઇટનું પણ લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંતે આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ અને સંસ્થાકીય આર્બિટ્રેશનના ભવિષ્ય પર યોજાઈ રહેલી કોન્ફરન્સ દેશના વિવાદ નિવારણ માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભૌતિક માળખું (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) એ માત્ર વહીવટી સગવડ નથી, પરંતુ તે સંસ્થાની ગંભીરતા અને વિશ્વસનીયતાનો સંકેત છે. જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય રોકાણકાર કે પક્ષકાર વ્યવસાયિક અને સુવિધાજનક આર્બિટ્રેશન સેન્ટરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમને વિશ્વાસ બેસે છે કે તેમના વિવાદનું યોગ્ય અને તટસ્થ નિરાકરણ આવશે.
મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે, ત્યારે વિદેશી રોકાણકારો માટે પરંપરાગત કાયદાકીય પ્રક્રિયા કરતા સંસ્થાકીય આર્બિટ્રેશન વધુ મહત્ત્વનું બની જાય છે.
તેમણે આ ક્ષેત્રમાં આવતા પડકારો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આપણે માત્ર કાગળ પરના નિયમોથી નહીં, પરંતુ પારદર્શક અને ન્યાયી પ્રક્રિયા દ્વારા પક્ષકારોનો વિશ્વાસ સંપાદિત કરવો પડશે. ભારતે આર્બિટ્રેટર્સની ગુણવત્તા અને તાલીમમાં રોકાણ કરવાની જરૂર છે. જેથી ભારત વૈશ્વિક સ્તરના આર્બિટ્રેશન કેન્દ્ર તરીકે ઊભરી શકે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી વેબસાઇટ અને ન્યૂઝલેટરના લોન્ચિંગને બિરદાવતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવી સુવિધાઓથી ભારતની આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ સક્ષમ, ભરોસાપાત્ર અને આધુનિક બનશે.








