કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સહાયક પ્રોફેસરોને લઇને સમાન કામ, સમાન વેતન મુદ્દે ચુકાદો આપ્યો છે ત્યારે છેલ્લા 15-20 વર્ષથી 7 લાખ કરતા વધારે કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે, મહત્ત્વની વાત એછેકે, એમ.બી. શાહ કમિશને પણ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની ભલામણ કરી છે, છતાં રાજ્ય સરકારે કોઇ પગલું લીઘું નથી. આ જોતાં ગુજરાત આર્થિક શોષણનું મોડલ છે.
સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં સ્પષ્ટપણે ટિપ્પણીમાં કહ્યું કે, અઘ્યાપકો અને શિક્ષકો એ દેશના ઘડતર માટેની ભૌતિક સંપદા છે. તેમના માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ શ્લોકનું ગાન પુરતું નથી. શિક્ષકો ફક્ત ભણાવતા નથી, બાળકોના ભવિષ્યને પણ આકાર આપે છે તેમનું આર્થિક શોષણ કરવાના બદલે તેમને સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંત અનુસાર વેતન મળવું જોઈએ.
આ તરફ, ભાજપની સરકારની નીતિ શિક્ષીત યુવાઓનું રીતસર આર્થિક શોષણ કરી રહી છે. છેલ્લા 15-20 વર્ષથી સરકારના વિવિધ વિભાગો, મંત્રાલયો અને બોર્ડ-નિગમોમાં સાત લાખ કરતા વધારે કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને ઓછા પગારે નોકરી કરવા મજબૂર છે. એમ.બી. શાહ કમિશને પણ કરાર આધારિત યોજનાને નાબૂદ કરવાની ભલામણ કરી હોવા છતાં ખુદ સરકાર જ યુવાઓનું વર્ષોથી આર્થિક શોષણ કરી રહી છે જે ચિંતાજનક છે.
ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ભૂતકાળમાં ફિક્સ પગારને ગેરબંધારણીય ઠરાવી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો ગુજરાતના યુવાન-યુવતીઓને આર્થિક શોષણમાંથી મુક્તિ આપવા માટે ફિક્સ પગારની પ્રથા નાબુદ કરવાનો હતો. આ મામલે ખુદ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે.




