GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકારે જમીન રિ-સરવેની મુદત વધારી

ગુજરાતના ખેડૂતોના માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે જમીન રિ-સરવેને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. રિ-સરવે રેકોર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલે પૂર્ણ થતી મુદતમાં વધારો કરીને હવે 31-12-2025 સુધી કરવામાં આવી છે. એટલે 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે.

જમીન રિ-સરવેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો સામે આવી હતી, જેના લીધે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોએ સરકાર સામે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. આખરે સરકારે આ ક્ષતિઓને દૂર કરવા માટે એક વર્ષ સુધીનો સમય વધાર્યો છે. રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે મુદત દરમિયાન ક્ષતિ સામે વાંધા અરજી કરવાની બાકી રહી ગઇ હોય તો તે કરી શકાશે. જેને લઇને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ખેતીની જમીનની સેટેલાઇટથી માપણી કરી રિ-સર્વે થયા બાદ રાજ્યના તમામ જિલ્લામાં લાખો ખેડૂતોના સાતબારમાં ગંભીર ક્ષતિઓ થવાના ઉઠેલા સવાલો સાથે અસંખ્ય ખેડૂતોને રિ-સરવે બાદ સાત બારમાં જમીનના ક્ષેત્રફળ ઘટી જવા, સ્થળ સ્થિતિના નકશામાં ફેરફાર થવો, કબજેદારના નામમાં ભૂલો થવી જેવી અસંખ્ય ક્ષતિઓ થતા જે તે સમયે ખેડૂતોએ આ બાબતે ક્ષતિ સુધારણા રજિસ્ટરમાં નોંધ કરાવી છે. તથા જિલ્લા જમીન દફતર કચેરી તથા મામલતદાર કચેરીમાં ક્ષતિ સુધારણા માટે અરજીઓ કરી છે. આમ છતાં, ઘણાં ખેડૂતોને વાંધા અરજી કરવાની બાકી રહી છે તેવા ખેડૂતોને હવે એક વર્ષનો સમય મળી ગયો છે.

Back to top button
error: Content is protected !!