રાજ્યમાં શિયાળાની ઠંડીનો ચમકારો 12 શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું

ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી સક્રિય બની છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં મંગળવારની સવાર ઠંડી પવન સાથે ધુમ્મસ ભરેલી રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના કુલ 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. કચ્છ જિલ્લામાં નલિયાએ સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન સાથે ટોચ નોંધાવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. ઉત્તર ગુજરાતના ડીસામાં 13.8 ડિગ્રી અને મધ્ય ગુજરાતના વડોદરામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો નોંધાયો છે. ભૂજમાં 14.2 ડિગ્રી, અમરેલીમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી અને જુનાગઢ જિલ્લાના કેશોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું.
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડી યથાવત્ રહેશે અને ઉત્તરથી આવતા પવનના વેગને કારણે રાત્રીના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. લોકોને વહેલી સવાર અને રાત્રિના સમયમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.





