રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ અને 30ની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા જોવા મળી શકે છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. રાજસ્થાન અને કચ્છ પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઈરાન તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા જોવા મળી શકે છે. ખાસ કરીને 2 એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી માવઠાનો આ રાઉન્ડ હજુ લાંબો ચાલી શકે છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2 એપ્રિલના રોજ રાજ્યમાં મેઘરાજાનો વ્યાપ વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 3 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. તેમજ 4 અને 5 એપ્રિલના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને નર્મદા જેવા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 6 એપ્રિલથી રાજ્યમાં હવામાન ફરી સૂકું થવાની શક્યતા છે.
હવામાનમાં આવતા આ ફેરફારને પગલે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવનને કારણે ઝાડ ઉખડી જવાની કે વીજ લાઇનો ખોરવાઈ જવાની શક્યતા રહેલી છે, જે ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે. નાગરિકોને વીજળીના કડાકા વખતે ઘરમાં રહેવા, ઝાડ નીચે આશ્રય ન લેવા અને વીજળીના થાંભલા કે જળાશયોથી દૂર રહેવા ખાસ સલાહ આપવામાં આવી છે. કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને ઢાંકી દેવા સલાહ આપવામાં આવે છે. તેમજ ગાજવીજ વખતે ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેવા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે.







