ગુજરાતમાં અનેક નગરપાલિકાઓની કંગાળ સ્થિતિ વીજબિલ ભરવા માટે પણ નાણા નથી. !!!

ગુજરાત રાજ્યની નગરપાલિકાઓ હાલ ગંભીર આર્થિક તંગીની સામે ઝઝૂમી રહી છે. રાજ્યની 147 નગરપાલિકાઓના ભંડોળ ખાલી થવાની નજીક છે અને કેટલીક પાસે તો વીજબિલ ભરવા માટે પણ પૂરતું ભંડોળ ઉપલબ્ધ નથી. નગરપાલિકાઓના માથે કુલ ₹4,175 કરોડથી વધુના વીજબિલની બાકી રકમ છે. જે ઘણી મોટી રકમ ગણાય છે.
આર્થિક મુશ્કેલીઓનું મુખ્ય કારણ નગરપાલિકાઓ દ્વારા પૂરતી આવક ન ઊભી થવી છે. નગરપાલિકાઓ પાસે આવકના સ્ત્રોત હોવા છતાં તેઓ સમયસર કરવેરા (ટેક્સ) વસૂલવામાં નિષ્ફળ જાય છે. તેનો મુખ્ય કારણ રાજકીય દબાણ છે. જેના કારણે કડક પગલાં લેવાતા નથી અને લોકો વેરો નહીં ભરે તો પણ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. આવી ઢીલી કામગીરીના કારણે નગરપાલિકાની તિજોરીમાં પૈસા જમા થતા નથી અને પરિણામે દૈનિક ખર્ચો ચાલવો મુશ્કેલ બની રહ્યો છે.
રાજ્યની અનેક નગરપાલિકાઓ જેમ કે ભુજ, ભરૂચ, જેતપુર, ધોળકા, પાટણ, બોટાદ, પાલનપુર, કડી, દાહોદ, અંજાર, નખત્રાણા, કેશોદ, ઈડર અને હિંમતનગર જેવી નગરપાલિકાઓ પાસે વીજબિલ ભરવાની પણ સક્ષમતા નથી. આ સ્થિતિ એટલી વણસી ગઈ છે કે કેટલીક નગરપાલિકાઓ કર્મચારીઓને વેતન ચુકવવામાં પણ અસમર્થ છે.
વીજ કંપનીઓએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા હવે નગરપાલિકાઓને નોટિસ પાઠવી છે. તેમને સૂચના આપવામાં આવી છે કે સમયસર વીજબિલ ભરવામાં ન આવે તો નગરમાં સ્ટ્રીટ લાઈટોની વીજળી કાપી નાખવામાં આવશે. આવી ચેતવણી વીજ કંપનીઓ દ્વારા આપાઈ છે, જેના કારણે નગરપાલિકાઓની ચિંતા વધી ગઈ છે.
આર્થિક મજબૂતી લાવવા માટે નગરપાલિકાઓએ હવે કરવેરા વસૂલવામાં ગંભીરતા દાખવવી પડશે. જો સમયસર પગલાં ન લેવામાં આવે તો શહેરની જનસેવામાં વિક્ષેપ આવી શકે છે. વીજળી ન હોવાના કારણે સ્ટ્રીટ લાઈટ બંધ થઈ શકે છે. જેના કારણે રાત્રિના સમયે રસ્તાઓ પર અંધારું છવાઈ શકે છે અને જાહેર સુરક્ષાની સમસ્યા ઊભી થઈ શકે છે.
રાજ્ય સરકારે અને નગરપાલિકાઓએ સાથે મળીને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે યોજના તૈયાર કરવાની જરૂર છે. નહીં તો આગામી સમયમાં નગરપાલિકાઓને ચલાવવી અશક્ય બની શકે છે.



