ગેર કાયદેસર બાંધકામો ને કાયદેસર કરવા ફરી ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં વધારો કર્યો

ઈમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં સરકારે વધારો કર્યો છે.. સરકારે આ સમયસીમા છ મહિના લંબાવી છે.. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આવતીકાલે પુરી થઇ રહી હતી જો કે હવે 6 મહિનાનો વધારે સમય સરકારે આપ્યો છે.
શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. જોકે આ બાંધકામ જાહેર સ્થળ કે માર્ગને અડીને આવેલું હોવું ન જોઈએ.
આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.
સરકાર કહે છે કે, ઝડપી શહેરીકરણને કારણે શહેરી વસાહતોના કદ અને સ્કેલમાં વધારો થયો છે, પરિણામે મોટી સંખ્યામાં ઇમારતો પરવાનગી વિના અથવા નિયમોના ઉલ્લંઘનમાં બાંધવામાં આવી રહી છે. સરકારને લાગે છે કે, મોટી સંખ્યામાં આવી ઈમારતો અને રહેણાંક મકાનો છે, જો ઈમારતોને તોડી પાડવા અથવા બદલવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાવાની શક્યતા છે.
સરકારની દલીલ છે કે, આવી કાર્યવાહીથી “સામાન્ય માણસને મુશ્કેલી” થઈ શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ જશે અને તેમની આજીવિકા ખોઈ બેસશે.




