કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું
વિશાળ ગાર્ડન, મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ જીમ્નેશીયમ અને દવાખાનું, પાર્કિંગ પ્લોટ સહિતની સુવિધાઓ સદસ્ય નિવાસ સંકુલમાં ઉપલબ્ધ

મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા ઉપાધ્યક્ષશ્રીની પ્રેરક ઉપસ્થિતિ
કેચ ધ રેઇન અને પર્યાવરણ જાળવણી ના વડા પ્રધાનશ્રીના વિચાર ને અનુરૂપ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર તથા ૬૦૦ વૃક્ષોના વાવેતર સાથેનું નિવાસ સંકુલ
:::::::::::::::::::::::::::
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું ભાઈબીજના પવિત્ર પર્વે ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું.
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17 માં કુલ 28,576 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની મોકળાશ ભરી જગ્યામાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા યુક્ત છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહિરની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ સુવિધા સભર આવાસોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું.
રૂપિયા ૩૨૫ કરોડના અંદાજિત ખર્ચે નવનિર્મિત આ સદસ્ય નિવાસ સંકુલમાં આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, જીમનેશિયમ,કેન્ટીન (ડાઇનિંગ હોલ), ઇન્ડોર રમતનાં સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.
આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટ દીઠ 2 અલોટેડ પાર્કિંગ જેમાંથી 1 બેઝમેંટ અને ૧ ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યા છે.
કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ આર.સી.સી.નાં બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ‘કેચ ધ રેઈન’ અને જળ સંચય ના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.
એટલું જ નહીં, આ નવનિર્મિત સદસ્ય નિવાસ સંકૂલ પરિસરમાં કુલ 600 નવા વૃક્ષોનું વાવેતર કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભવિષ્યની સંભવિત આવાસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલના 12 બ્લોકના 216 આવાસોમાંથી 10 બ્લોકના 180 આવાસોમાં ફિક્સ તથા લુઝ ફર્નીચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વર્ષ 1970-71માં ગુજરાત વિધાનસભાના સદસ્યોની રહેઠાણ સુવિધા માટે ગાંધીનગર સેક્ટર 17 માં 41.46 ચોરસ મીટરના એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ કિચન ટોયલેટ ની સુવિધા સાથેના આવાસો બનાવવામાં આવ્યા હતાં.
સમયાંતરે વધુ આવાસોની જરૂરિયાત ઊભી થતા 1990- 91 માં સેક્ટર 21 ખાતે 85.30 ચોરસ મીટર બાંધકામ વાળા બે બેડરૂમ ડ્રોઈંગ રૂમ કિચનની સુવિધા સાથેના કુલ 168 આવાસોના ત્રણ માળના કુલ 14 બ્લોકમાં નિર્માણ કરવામાં આવ્યા હતા.
હવે પ્રવર્તમાન સમયને અનુરૂપ તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવા સુવિધા સભર સદસ્ય નિવાસ સંકુલનું નિર્માણ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ આવાસોમાં પ્રતિ યુનિટ 170.32 ચો.મી. કાર્પેટ એરિયાના બાંધકામ અન્વયે 3BHK માં ઓફિસ રૂમ વિથ વેઈટીંગ રૂમ, સર્વન્ટ રૂમ , 1 કિચન, 1 ડાઈનિંગ રૂમ, 1 લિવિંગ રૂમ વીથબાલ્કની, 1 ડ્રેસીંગ રૂમ અને 2 ટોઈલેટની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
તમામ ઇન્ટિરિયર ફર્નિચર સાથેના આવાસો ઉપરાંત 2 લિફ્ટનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે આ નિવાસ સંકુલના લોકાર્પણ કર્યા પછી આવાસની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને અદ્યતન સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી આશિષ દવે, સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ અને માર્ગ મકાન સચિવશ્રી પ્રભાત પટેલીયા તથા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.











