યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદ બાદ કચરાના ઢગ, સ્વછતાનો અભાવ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૯.૨૦૨૪
સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર વરસાદ બાદ ઠેક ઠેકાણે કચરો તેમજ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.વરસાદે બે દિવસથી વિરામ લીધો હોવા છતાં શનિવારે બપોરે ડુંગર પર ઠેક ઠેકાણે ગંદકીના ઢગલા જોવા મળતા યાત્રાળુઓ તંત્ર સામે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.પાંચ છ દિવસ ભારે વરસેલા વરસાદ વરસતા તેમાં પણ જન્માષ્ટમી અને તેના બીજા દિવસે આમ બે દિવસ દરમિયાન અંદાજિત ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા તેમજ વરસાદ બાદ પાવાગઢ ડુંગર પર દુધિયા તળાવ ની આસપાસ તેમજ તળાવમાં તેમજ તળાવના ઘાટ પર તેમજ પગથિયાઓમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે પાવાગઢ ખાતે આવતાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરતાં પહેલાં દુધિયા તળાવમાં સ્નાન કરી માતાજીના દર્શન કરવા જતા હોય છે તેવી ભક્તોમાં માન્યતા હોય છે જેને લઈને ભક્તો સ્નાન કરવા દુધિયા તળાવ ખાતે જાય છે.ત્યાં ગંદકીના અને કચરા ના ઢગલા જોઈ ભક્તોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.જોકે આ અંગે ડુંગર ખાતે રહેતા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડુંગર પર જરૂરિયાત મુજબ સફાઈ કામદારોની હર હંમેશ કમી જોવા મળી રહે છે. પૂરતા પ્રમાણમાં કામદારોની સંખ્યા ન હોવાને કારણે ડુંગર પર ગંદકી તેમજ કચરો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.જોકે લાગતા વળગતા તંત્ર દ્વારા આવનારા સમયમાં ડુંગર પર થતી ગંદકી તેમજ કચરો તેમજ તળાવની સાફ-સફાઈ રાખવામાં આવે તેવી યાત્રાળુઓમાં માંગ ઉઠવા પામી છે.








