
વાત્સલ્યમ્ સમાચારમાં
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગૌતમ અદાણીની મુંદરાની મુલાકાત : કામદારો સાથે ચાની ચુસ્કી અને વિકાસના નવા રોડમેપ સાથે જીત્યા સૌના દિલ
૦૦૦
શ્રી ગૌતમભાઈ અદાણીની શ્રી દાણેશ્વર મહાદેવ શિરાચા મુલાકાત બની સામાજિક જોડાણ અને વિકાસની નવી ઊર્જા
મુંદરા, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ :
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની મુંદરાની બે દિવસીય મુલાકાત સામાજિક સૌહાર્દ અને ઔદ્યોગિક પ્રગતિનો અનોખો સંગમ બની રહી હતી. શનિવારે અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે મુંદરા પહોંચ્યા બાદ તેમણે મુલાકાતના પ્રથમ તબક્કે ઝરપરા ગામના સામાજિક અગ્રણીના અવસાન પર શોક વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી અદાણીએ માત્ર વ્યાપારી લક્ષ્યો પર જ નહીં પરંતુ પાયાના સ્તરના કામદારો અને સ્થાનિક સમાજ સાથેના સંબંધો પર વિશેષ ભાર મૂક્યો હતો.
મુલાકાતની સૌથી યાદગાર ક્ષણ ત્યારે બની જ્યારે શ્રી ગૌતમભાઈએ કોઈપણ પ્રોટોકોલ વિના કેન્ટીનમાં સામાન્ય કામદારોની સાથે બેસીને ચા પીધી અને તેમની સાથે સહજ સંવાદ કર્યો. આ સાદગીભર્યા વ્યવહારથી તેમણે કામદારોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક અગ્રણીઓ સાથે યોજાયેલી વ્યૂહાત્મક બેઠકમાં તેમનું શાલ અને પાઘડી પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુંદરાના ભાવિ વિકાસ અને સામાજિક ઉત્થાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી અદાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકાસની સુવિધાઓને જાળવવાની જવાબદારી કંપની અને સ્થાનિક સમુદાય બંનેની છે. તેમણે આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં નવા સામાજિક કલ્યાણના પ્રોજેક્ટ્સ લાવવાની પણ ખાતરી આપી હતી.
પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અદાણી પેટ્રોકેમ પ્લાન્ટ, બિલ્ડકાસ્ટ ફેક્ટરી, સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને વોટર ડીસેલિનેશન પ્લાન્ટની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ તમામ એકમો મુંદરાને વૈશ્વિક નકશા પર નવી ઓળખ અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ પણ અદાણી ગ્રુપના વિકાસકાર્યોમાં ખભેખભા મિલાવીને સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી જેનાથી મુંદરાના સર્વાંગી વિકાસને નવી ઉર્જા મળી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





