Dhoraji: ધોરાજી પાસેના પાટણવાવ ઓસમ ડુંગરની તળેટીમાં યોજાઈ “સાહસિક પ્રવૃત્તિ પ્રોત્સાહન શિબિર”
તા.૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૩૦ થી વધુ યુવા મિત્રોને જંગલ ટ્રેકિંગ, પર્વતારોહણ, રોક ક્લાઈમ્બિંગ, કેવીંગ, ઇમરજન્સી લેંન્ડીંગ, રૂટ ફાઈન્ડીંગ, રેસ્ક્યુ વગેરે અંગે તાલીમ અપાઈ
Rajkot, Dhoraji: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઝોન કક્ષા સાહસીક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિર ૨૦૨૪-૨૫ નું આયોજન ઓસમ ડુંગર તળેટી, પાટણવાવ, ધોરાજી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૩૦ થી વધુ યુવા મિત્રોને જંગલ ટ્રેકિંગ, પર્વતારોહણ, રોક ક્લાઈંમ્બિંગ, કેવીંગ, ઇમરજન્સી લેંન્ડીંગ, રૂટ ફાઈન્ડીંગ, રેસક્યુ વગેરે અંગે તાલીમ અપાઈ હતી.
આ શિબિરમાં ભાગ લેનાર અક્ષય ગરૈયાએ જણાવ્યું હતું કે, આ શિબિરમાં તમામ વિદ્યાર્થીઓએ અચુક ભાગ લેવો જોઈએ. પર્વતારોહણ, રોક ક્લાઈમ્બિંગ, કેવીંગ – કુદરતી કે માનવસર્જીત આપદા સમયે ગુફાઓમાં કેવી રીતે વસવાટ કરવો તે અંગેની તાલીમ મળી છે.
સત્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ શિબિરમાં શીખવવામાં આવતી સ્કિલ દરેક નાગરિકો માટે ખુબ જરૂરી છે. આ શિબિરમાં અમને પ્રકૃતિને નજીકથી જોવા, જાણવા અને માણવાની તક મળી છે. પ્રાકૃતિક આપદાના સમયમાં પ્રકૃતિની સહાયતાથી બચવુ તથા અન્યોને બચાવવા જેવી તાલીમ અમને અહીં આપવામાં આવી હતી તેમજ આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી.
પ્રાકૃતિક તાલીમ શિબિરમાં ભાગ લેનાર રૂત્વી ડેર અને પ્રતિક્ષા રાવલની ટીમે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહન શિબિરમાં અમને ભાગ લેવા મળ્યો તે અમારા માટે ગર્વની વાત છે. આ શિબિરમાં અમને પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય તેમજ પ્રાકૃતિક વન્યજીવો વિષે માર્ગદર્શન પૂરું પડાયું હતું.આ શિબીર પ્રતિ વર્ષ યોજાતી રહે તથા તેમાં અન્ય વિદ્યાર્થીનીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અલગથી આ શિબીર યોજાવામાં આવે તેવી વિનંતી રૂત્વી ડેર અને પ્રતિક્ષા રાવલની ટીમે કરી હતી.
મ્યુનિસિપલ કોલેજ, ઉપલેટાના ફિઝીકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટ્સ ડાઈરેક્ટર શ્રી શૈલેશભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત સાહસિક પ્રવૃતિ પ્રોત્સાહન શિબીરમાં તમામ સહભાગીઓને એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ દ્વારા તાલીમ, ફાયર સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઈમ, જંગલ ટ્રેકિંગ તથા પર્વતારોહણ સંસ્થા દ્વારા રોક ક્લાઇમ્બિંગ, કેવિગ – ગુફામાં વસવાટ કરવાની પદ્ધતિ, ઇમરજન્સી લેન્ડિંગ, લેડરીંગ – ઝુલતી સીડી પર ચડવાની પદ્ધતિ, રૂટ ફાઇન્ડિંગ જેવી રેસ્ક્યુની થિયરિટીકલ અને પ્રેક્ટિકલ તાલીમ, જંગલ ટ્રેકિંગ દ્વારા વન પર્યાવરણ, વનસ્પતિ અને વન્ય પશુ પક્ષી વિશેની માહિતી, મેપ રીડીંગ, બિલ્ડિંગ રેસ્ક્યુ થીયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ તથા પ્રાથમિક સારવાર થિયરીટીકલ તથા પ્રક્ટિકલ તાલીમ અને ઓસમ ડુંગરનું સ્વછતા અભિયાન વીશે તાલીમ આપવામાં આવી હતી.
તાલીમાર્થીઓ માટે બે ટાઈમનું પૌષ્ટિક ભોજન અને ચા-નાસ્તાની સાથે રહેઠાણની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે તેમજ જિલ્લા બહારના તાલીમાર્થીઓને વાહનવ્યવહારની સુવિધા પુરી પાડવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ઓસમ પર્વત આવેલો છે. પ્રતિ વર્ષ વર્ષાઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી જોવા માટે પ્રવાસીઓ દુરદુરથી લોકો આવે છે. પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો આ ઓસમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે… ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ અને પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં અને તેમાં આવેલું તડકેશ્વ્વર મહાદેવનું મંદીર અને માત્રી માતાના મંદીરે દર્શન કરીને તમામ પ્રવાસીઓ આનંદવિભોર થઈ જાય છે.
રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે અહીં બ્યુટીફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે.