નિકોરામાં ગ્રહદોષ નિવારણ પરિવારે તાંત્રિક વિધિ કરી:કુટુંબીજનોને તેમના વિરૂદ્ધ વિધિ કરાતી હોવાની શંકા જતાં શખ્સને માર મારતા મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનીબેન અને તેમના પતિ ઈશ્વર ભવજી માછીપટેલ તેમના ઘરમાં ગ્રહદોષ નિવારણ માટે તાંત્રિક વિધિ કરાવી રહ્યા હતા.
આ દરમિયાન, આસપાસમાં રહેતા કુટુંબીજનોને શંકા ગઈ કે દંપતી તેમની વિરુદ્ધ કોઈ વિધિ કરાવી રહ્યું છે. આ શંકાના આધારે કુટુંબીજનોએ તેમના ઘરે આવી હંગામો મચાવ્યો હતો. ગુસ્સામાં આવેલા કુટુંબીજનોએ ઈશ્વર ભયજી માછીપટેલને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યા અને રોડ પર માર માર્યો હતો.
માથામાં ગંભીર ઈજાઓ થવાથી ઈશ્વર ભવજી માછીપટેલનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. જોકે, નબીપુર પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. મૃતકનું પોસ્ટમોર્ટમ તબીબોની પેનલ દ્વારા કરવામાં આવ્યું છે. પોલીસે હાલમાં અકસ્માત મોતના કેસમાં આગળની તપાસ શરૂ કરી છે.




