શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા,પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ગુરુ શબ્દનો તાત્વિક અર્થ જોઈએ તો સંસ્કૃતમાં ગુ એટલે અંધકાર અને રુ એટલે અંધકારથી પ્રકાશ તરફ ગતિ ધરાવતી શક્તિ કે વ્યક્તિ એટલે ગુરુ. આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ અને ગુરુશિષ્ય પરંપરાને ઉજાગર કરવા પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના કારોબારી સભ્ય અને પ્રોજેક્ટ ચેરમેન હર્ષદભાઈ જોષી, જયેશભાઈ કચોરીયા, સંયોજક અને જિલ્લા યોગ કો -ઓર્ડીનેટર સ્મિતાબેન જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું. ગુરુ મહિમાને અનુરૂપ વક્તવ્ય અને ગીત-ભજન રજૂ કરવામાં આવ્યા. તદુપરાંત વિશેષ સિદ્ધિ મેળવનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓને તથા શાળાના સુપરવાઇઝર બેન શ્રીમતી પીનાબેન ડેરિયાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુપરવાઇઝર પીનાબેન ડેરીયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન મુજાતે કર્યું હતું.સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સુંદર રહ્યો હતો.



