BHUJKUTCH

બિપરજોય વાવાઝોડાની આફતમાં સંકલનથી કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી કમાન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત.

૧૫-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગો એક જ જગ્યાએ બેસીને વાવાઝોડાની સ્થિતિ પર રાખી રહ્યા છે ચાંપતી નજર.

એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પરિસ્થિતિનું થઈ રહ્યું છે સતત મોનિટરિંગ.

વાવાઝોડાની વર્તમાન સ્થિતિથી માંડીને કોઈપણ ફરિયાદ અંગે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી.

ભુજ કચ્છ :- કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે ત્યારે કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં ક્લેક્ટર ઓફિસ ખાતે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.જેની આજરોજ રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ મુલાકાત લીધી હતી.કચ્છ કલેક્ટર કચેરીના કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આકસ્મિક પરિસ્થિતિ વખતે રાહત બચાવની કામગીરીમાં વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક સાધવામાં સમયનો વ્યય થાય છે. આ સેન્ટરમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની એજન્સીઓના તમામ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત હોવાનું સુપેરે રાહત બચાવ કામગીરી શક્ય બની છે. તેઓએ તમામ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓ પાસેથી વાવાઝોડાની હાલની પરિસ્થિતિની વિગતો માંગીને કેવી રીતે તેઓ અહીં બેઠા બેઠા અસરકારક કામગીરી કરી શકશે તેની પૃચ્છા કરી હતી. વધુમાં તેઓએ વાવાઝોડાની વર્તમાન સમયની આગળ વધવાની ગતિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના સ્થળો અને રાહત બચાવની ટુકડીઓની તૈનાતી વિશે જાણકારી મેળવી હતી. વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપીને મંત્રીશ્રીઓને અવગત કરાવતા કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આકસ્મિક પરિસ્થિતિમાં કમ્યુનિકેશન બહુ જ મહત્વનું બની જાય છે. જે આશયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગો, અધિકારીશ્રીઓ અને કેન્દ્ર સરકારની એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓ એક જ જગ્યાએ બેસીને સંકટનો સામનો કરી શકે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. એજન્સીઓ એકબીજા સાથે સંકલનથી કામગીરી કરશે તો વધારે ઝડપથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું એમ પણ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડા સમયે કચ્છ જિલ્લા વહીવટીતંત્રના એક જ જગ્યાએથી તમામ એજન્સી સંકલનના ઉપક્રમ વિશે પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સંકટ સમયે આ વ્યવસ્થા ખૂબ જ મદદરૂપ થશે. વાવાઝોડું મોટાપાયે નુકશાન કરી શકે તે બાબતને ધ્યાને રાખીને કામગીરી કરવા માટે તેઓએ ઉપસ્થિત તમામ પ્રતિનિધિશ્રીઓને સૂચન કર્યું હતું. કચ્છ મોરબીના સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાએ પણ હવાની ગતિ, કેટલી રાહત બચાવ ટુકડી હાલ ક્યાં છે તેની વિગતો સેન્ટરના અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ પણ આ મુલાકાત વખતે ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીશ્રીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા બિપરજોય વાવાઝોડાના સંકટ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેનો સીધો જ રિપોર્ટ જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, મંત્રીશ્રીઓની સાથે અધિકારીશ્રીઓએ જિલ્લા કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન અગ્રણીશ્રી મહેન્દ્ર પટેલ તેમજ શ્રી દેવજીભાઈ વરચંદ, પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, વિવિધ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!