GIR SOMNATHUNA

ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં બરાબરના ભાગીદાર હોવાનો નામચીન બુટલેગરનો સનસનીખેજ આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ઊના તાલુકાના ઉમેજ ગામના નામચીન બુટલેગર ભગા ઉકા જાદવે બે મહિના પહેલાં જેલમાંથી લખેલો એક કથિત પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેણે ઊનાના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર દારૂના ધંધામાં બરાબરના ભાગીદાર હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે.

દારૂના દસથી વધુ કેસમાં સંડોવાયેલો અને હાલ ગુજસીટોક ગુના હેઠળ જૂનાગઢ જેલમાં બંધ બુટલેગર ભગા ઉકા જાદવે આ કથિત પત્ર 10મી સપ્ટેમ્બરે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધીને લખ્યો હોવાનું કહેવાય છે. 10મી નવેમ્બરે આ પત્ર વાઈરલ થતાં રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

કથિત પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ‘આ દારૂના ધંધામાં તમે (ધારાસભ્ય) અમારા બરાબરના ભાગીદાર છો. સાથે મળીને 13થી વધુ વખત દમણથી દારૂ મંગાવ્યો છે અને તેના 29 લાખ રૂપિયાના હિસાબનો ઉલ્લેખ પણ પત્રમાં કરાયો છે.’

પત્રમાં યોગેશ રાઠોડ અને રવિ રાઠોડ (જે ધારાસભ્યના ગામના સરપંચ છે) સાથે દારૂના ધંધાની ભાગીદારીનો હિસાબ બાકી હોવાનો પણ ઉલ્લેખ છે. પત્રમાં LCBના હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈના ફોનનો ઉલ્લેખ છે કે, હમણાં દારૂનું કટિંગ નહીં અને એ દરમિયાન જ SMCએ રેડ કરી હતી.

ભાજપના ધારાસભ્ય સામે થયેલા આ ખુલ્લા આક્ષેપોથી ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ઊનાના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આ પત્ર મામલે જેલ પ્રશાસન સામે સવાલ ઊઠાવ્યા છે કે જેલમાંથી આવા પત્રો કેવી રીતે બહાર આવે છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ આ મામલે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની તાત્કાલિક માગ કરી છે, જેથી સત્ય બહાર આવી શકે. પોલીસ ચોપડે દારૂના અનેક કેસ નોંધાયા બાદ હાલ ગુજસીટોક હેઠળ જેલમાં બંધ બુટલેગરના આ પત્રથી પોલીસ અને રાજકારણીઓ બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે.

Back to top button
error: Content is protected !!