GIR SOMNATHTALALA

તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂ ઉપરા ઉપરી ભૂકંપના સાત આંચકા આવ્યા

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂથઈ છે. તાલાલા ગીરની ધરતી પખવાડિયામાં આજે દિવાળીના પરોઢીએ ધણધણી ઉઠી હતી. સવારે ૫.૫થી ૮-૦૧ વાગ્યાની વચ્ચે ૧.૪થી ૨.૪ની તીવ્રતાના ઉપરાઉપરી ભૂકંપના સાત આંચકા આવતા લોકો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા.  તાલાલા ગીરથી અહેવાલ મૂજબ આ ભૂકંપોની અસર તાલાલા શહેર અને આજુબાજુના વિસ્તારમાં જોવા મળી હતી. કેન્દ્રબિંદુ તાલાલાથી ૩ કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ નોંધાયું હતું અને જમીનથી માત્ર 4 કિ.મી.ની ઉંડાઈએ કંપન ઉદ્ભવ્યા હતા.

હજુ પખવાડિયા પહેલા તા. 14 ઓક્ટોબરે તાલાલા ગીર પાસે જ પરંતુ, જુદી દિશાએ, પશ્ચિમ-પશ્ચિમ ઉત્તર દિશાએ હીરણ નદીની સામે કાંઠે તલાલાથી ૨ કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ પણ જમીનથી માત્ર 3 કિ.મી.ની ઉંડાઈ આવ્યો હતો.

આ પહેલા તજજ્ઞાોએ જણાવ્યા મૂજબ તાલાલા પંથકમાં કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી પરંતુ, જમીનના પોપડાંમાં ફ્રેક્ચર્સ, નાના નાના ફોલ્ટ્સ રચાતા હોય આ આંચકા આવે છે. આ આંચકા મોટાભાગે ઓછી તીવ્રતાના અને જમીનમાં બહુ ઉંડાઈએ હોતા નથી.  જો કે, આજે ઉપરાઉપરી આંચકા આવ્યા તે જ દિશામાં તાલાલાથી 13 કિ.મી.ના અંતરે ચિત્રોડ અને સાસણગીર વચ્ચે 4.0ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ તા.2-5-2022 ના નોંધાયો હતો. આમ, ગીરના આ વિસ્તારના  ધરતી વારંવાર કંપી ઉઠે છે.

તાલાલા ઉપરાંત અમરેલી પંથકમાં પણ વારંવાર હળવા ભૂકંપો આવતા રહ્યા છે અને આઈ.એસ.આર.ના વૈજ્ઞાાનિકોએ ત્યાં અભ્યાસ પણ કર્યો છે. તાજેતરમાં ચાર દિવસ પહેલા જ તા.27ના અમરેલી પંથકમાં જીરા અને માધુપુર ગામ વચ્ચે રિચર સ્કેલ પર 3.7 તીવ્ર ભૂકંપ નોંધાયો હતો.

ગઈકાલે પૂરા થતા ઓક્ટોબર- 2024માં ગુજરાતમં કૂલ 7 ભૂકંપો નોંધાયા છે જેમાં 1 તાલાલા, 1 અમરેલી તથા કચ્છના દુધઈ, ખાવડા અને ભચાઉમાં 3 અને ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના પાલઘર પંથકમાં ૨ ભૂકંપ સમાવિષ્ટ છે. તંત્ર દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની માહિતી જ ઓનલાઈન જાહેર કરાતી રહે છે. આમ, આ ઉપરાંત નાના આંચકા અસંખ્ય આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!