Rajkot: રાજકોટના વૈશાલીબેન કરશે પ્રધાનમંત્રીશ્રી મોદી સાથે સંવાદ
તા.૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સરકારની સખી મંડળ યોજના સાથે આર્થિક આત્મનિર્ભર બન્યા વૈશાલીબેન: સંવાદ માટે ગુજરાતમાંથી માત્ર બે બહેનોની પસંદગી
Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલના મેટા ખંભાળિયાના વૈશાલીબેન ગઢીયા સરકારની સખી મંડળ યોજના સાથે લખપતિ દીદી બન્યા છે. રાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પ્રાપ્ત કરી વૈશાલીબેન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ૬ મેના રોજ એબીપી ચેનલ પર ઈન્ડિયા@૨૦૪૭ સમિટ કાર્યક્રમમાં સંવાદ કરશે.
વૈશાલીબેન વર્ષ ૨૦૧૦થી ગધેશ્રી સખી મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમને સરકાર દ્વારા રૂ. ૫૦,૦૦૦ સી.આઇ.એફ તથા રૂ. ૫૦૦૦ રિવોલ્વિંગ ફંડ પ્રાપ્ત થયું છે સાથે જ તેમણે રૂ.૨ લાખની સી.સી. લોન પણ લીધી હતી. વૈશાલીબેને આર.સે.ટી-રાજકોટમાંથી બેંક સખી (બીસી)સખી તરીકે તાલીમ મેળવી પોતાના ગામમાં બી.સી. પોઇન્ટ શરૂ કર્યું હતું.
આ ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા તેમણે નાની બેંકની જેમ કામ કરવાનું શરૂ કર્યું. બી.સી. પોઈન્ટ શરૂ કરીને, હાલ તેઓ દર વર્ષે રૂ.૩.૨૦ લાખથી વધુની આવક મેળવે છે. ટેક્નોલોજી દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ કરીને, તેઓ ખૂબ સારી આવક મેળવી રહ્યા છે. આ સિધ્ધિ સાથે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે સીધા પીએમ સાથે સંવાદ સાધી અનેક મહિલાઓના પ્રેરણા સ્ત્રોત બનશે.