સાબરકાંઠાની ત્રણ પાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠાની ત્રણ પાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત
વિકાસના કામો અને કાર્યકર્તાઓએ ઉત્સાહથી કામ કર્યું તેનું પરિણામ : કનુભાઈ પટેલ
ચૂંટણી સંયોજક જે. ડી. પટેલ, તખતસિંહ હડીયોલ, કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાનું માર્ગદર્શન
તલોદમાં ચૂંટણી ઇન્ચાર્જ વિજયભાઈ પંડ્યા, પ્રાંતિજમાં ચૂંટણી ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ રહેવર, ખેડબ્રહ્મા મા ચૂંટણી ઇન્ચાર્જ
જયેશભાઈ પટેલ, લોકેશભાઈ સોલંકીની સફળ કામગીરી
સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, રમણલાલ વોરા સહિત યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, દેવીપુજક સમાજ સહિત તમામ સમાજે ભાજપના પ્રચારમાં કામગીરી કરી હતી
સૌથી વધુ તલોદ નગરપાલિકામાં રર બેઠક મેળવી
ત્રણેય નગરપાલિકાની ૧૯ વોર્ડ પૈકી ખેડબ્રહ્મામાં ભાજપ-૧૭, કોંગ્રેસને ૧૧ બેઠક મળી
પ્રાંતિજ માં કુલ 24 માંથી ભાજપને 19 બેઠક મળી
હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના મળી ૧૯ વોર્ડની ચુંટણીનું મતદાન રવિવારે યોજાયું હતુ. ત્યારબાદ મંગળવારે ત્રણેય તાલુકા મથકે મતગણતરી સવારે ૯ વાગે શરૂ થઈ હતી. નગરપાલિકાની સાથે જ જિલ્લા ત્રણ તાલુકા પંચાયત ચાર બેઠકોની પણ મતગણતરી કરાઈ હતી જયાં તબક્કાવાર પરિણામ જાહેર થયા હતા. શરૂઆતમાં ત્રણેય નગરપાલિકામાં ૧૯ વોર્ડમાં ઉભા રહેલ મોટાભાગના વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ સરસાઈ મેળવવાનું શરૂ કર્યું હતુ. જેના લીધે ઉમેદવારો અને ટેકેદારોમાં ઉત્સાહ પ્રસરી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજ નગરપાલિકાના ૬ વોર્ડમાં ભાજપે ૧૯ બેઠકો પર વિજય મેળવ્યો છે તો સામે પક્ષે કોંગ્રેસે ફક્ત ૦ર બેઠક મેળવીને સંતોષ માનવો પડયો છે જોકે અહીં ત્રણ અપક્ષો વિજયી થયા હોવા છતાં સતત બીજી વખત ભાજપે પ્રાંતિજ નગરપાલિકા કબ્જે કરી છે. તેજ પ્રમાણે તલોદ નગરપાલિકાના ૬ વોર્ડની ચુંટણીમાં સમગ્ર જિલ્લામાં ભાજપે સૌથી વધુ રર બેઠક જીતી છે અહીં કોંગ્રેસને ૦૧ અને અપક્ષને ફાળે ૦૧ બેઠક આવી છે. જેથી ગત ટર્મની જેમ તલોદ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન રહેશે.
તો બીજી તરફ ૦૭ વોર્ડ ધરાવતી ખેડબ્રહ્મા નગરપાલિકાના સિમાચિન્હ રૂપ કહી શકાય તેવા વોર્ડ નં.૧માં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો ત્યાં આ વખતે ભાજપે વ્યુહરચના ગોઠવીને કોંગ્રેસના ગઢને જમીન દોસ્ત કરી દીધો છે. જેના માટે વિજયી ઉમેદવારોએ કાર્યકરો અને મતદારોની મહેનતની સરાહના કરી હતી. ખેડબ્રહ્મા પાલિકાના તમામ વોર્ડની વાત કરીએ તો અહીં ભાજપે ર૮ બેઠકો પૈકી ૧૭ બેઠક મેળવી છે જોકે ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસનો દેખાવ સારો રહયો હોય તેમ ૧૧ બેઠકો પર કોંગ્રેસે વિજય પતાકા લહેરાવવામાં સફળતા મેળવી છે. પરંતુ ખેડબ્રહ્મા નગરપાલિકાના તમામ મતદારોએ અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારોને ધ્યાને લીધા નથી.



