ગોધરા નજીકથી ગેરકાયદે રેતી ભરેલું ટ્રેક્ટર ₹ 6 લાખના મુદ્દામાલ સાથે જપ્ત
પંચમહાલ ગોધરા:
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ખાન અને ખનીજ વિભાગે ગોધરા શહેર નજીક આવેલા દરૂનીયા રોડ પરથી ગેરકાયદે રેતી ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડી, કુલ ₹ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા ખનીજ વિભાગને ગેરકાયદે રેતી ખનન અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે દરૂનીયા રોડ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલું રેતી ભરેલું એક ટ્રેક્ટર શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું. ટ્રેક્ટરના ડ્રાઈવર પાસે રેતી ખનન કે પરિવહન માટેની કોઈ જરૂરી પરવાનગી ન હોવાથી, વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.
વિભાગ દ્વારા ટ્રેક્ટર અને તેમાં ભરેલી રેતી સહિત કુલ ₹ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલને કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ખનીજ વિભાગની આ કડક કાર્યવાહી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ માટે એક લાલબત્તી સમાન છે.