GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે જાન્યુઆરીથી જૂન દરમિયાન પૂરક પોષણનો લાભ લેતા ૧૦૦% લાભાર્થીઓ

તા.૨૫/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કેશવાળા ગામમાં ૯૪% લાભાર્થીઓએ પૌષ્ટિક આહારનો લાભ લીધો : લાભાર્થીઓને બાળશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના પેકેટ્સનું વિતરણ

Rajkot, Gondal: બાળકના શારીરિક, બૌદ્ધિક તથા સામાજિક વિકાસને વેગ આપવા તેમજ બાળક-માતાના આરોગ્‍ય સ્‍તરને સુધારવાના હેતુસર રાજકોટ જિલ્લા બાળ વિકાસ યોજનાની કચેરી સરાહનીય કામગીરી કરી રહી છે. જેના ભાગરૂપે જાન્યુઆરીથી જૂન માસ અંતિત ગોંડલ તાલુકાના મોટા સખપર ગામે ૧૦૦% એટલે કે તમામ લાભાર્થીઓને પૂરક પોષણનો લાભ આપવામાં આવ્યો હતો. જયારે કેશવાળા ગામે ૯૪% લાભાર્થીઓએ પૂરક પોષણનો લાભ લીધો હતો.

ગોંડલ તાલુકાના મોટા સખપર ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર ૧ અને ૨માં નોંધાયેલા તમામ ૬ માસથી ૩ વર્ષના ૨૭ બાળકો, ૩ વર્ષથી ૬ વર્ષના ૨૨ બાળકો તેમજ સગર્ભાઓ, ધાત્રીઓ અને કિશોરીઓ મળીને ૩૮ બહેનોને પૂરક પોષણનો લાભ આપવામાં આવ્યો હતો. આમ, મોટા સખપર ગામમાં બાળકો અને બહેનો મળીને નોંધાયેલા તમામ ૮૭ લાભાર્થીઓને પૂરક પોષણ આપવામાં આવતા ૧૦૦% કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, આઈ.સી.ડી.એસ. ઘટક ગોંડલ-૧ અંતર્ગત કેશવાળા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર ૧માં ૬ માસથી ૬ વર્ષના બાળકો તેમજ કિશોરીઓ, ધાત્રીઓ અને સગર્ભાઓ મળીને નોંધાયેલા તમામ ૭૫ લાભાર્થીઓએ પૂરક પોષણનો લાભ લીધો હતો. જયારે આંગણવાડી કેન્દ્ર નંબર ૨માં નોંધાયેલા ૧૦૨ લાભાર્થીઓ પૈકી ૯૬ લાભાર્થીઓએ પૂરક પોષણનો લાભ લીધો હતો. આમ, કેશવાળા ગામમાં ૯૪% લાભાર્થીઓએ પૂરક પોષણનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આંગણવાડી કેન્દ્રો ખાતે માતા-બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે પૂરક પોષણ તરીકે ૬ માસથી ૩ વર્ષના બાળકોને બાળશક્તિના પેકેટ, ૩ વર્ષથી ૬ વર્ષના બાળકોને મિલેટસમાંથી બનાવેલા મુઠીયા, ઢોકળા જેવો પૌષ્ટિક નાસ્તો, કિશોરીઓને પૂર્ણાશક્તિના પેકેટ તેમજ ધાત્રીઓ અને સગર્ભાઓને માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!