Gondal: ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ગોંડલ ૧૮૧ અભયમ ટીમ

તા.૩/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: ગોંડલ અભયમ ટીમે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ત્રણ દિવસથી ભૂલી પડેલી મહિલાને તેના પરિવાર સુધી સહીસલામત પહોંચાડી હતી.
અભયમ મહિલા હેલ્પલાઇન પર જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે,આશરે ૩૦ વર્ષની ઉંમરની મહિલા ગોંડલ વિસ્તારમાં મળી આવી છે, જે રસ્તો ભૂલી ગયેલ હોવાથી મદદની જરૂર છે. કોલ મળતાં જ ગોંડલ સ્થિત 181 ટીમના કાઉન્સલર ચૌધરી લતાબેન સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા અને જાગૃત નાગરિક તથા સ્થાનિક લોકો પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
પ્રાથમિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિત મહિલા દાહોદ જિલ્લાના ગાંગરડી ગામની રહેવાસી છે. તેઓ તેમના બહેનના ઘરે ગયા બાદ ત્યાંથી પતિ તથા સાસુ-સસરા પાસે જવા નીકળ્યા હતા, પરંતુ રસ્તો ભૂલી જતા ગોંડલ નજીક પહોંચી ગયા હતા.
ટીમ દ્વારા મહિલાએ દર્શાવેલા માર્ગના આધારે તપાસ આગળ વધારતાં મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
અભયમ ટીમે પીડિત મહિલા તથા તેના પરિવારજનોને કાયદાકીય માહિતી, સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. મહિલાએ પરિવાર સાથે રહેવાની ખાતરી આપી હતી અને સાસુ-સસરાએ પણ તેની યોગ્ય દેખરેખ રાખવાની બાંયધરી આપી હતી.
સમગ્ર કામગીરી બદલ મહિલા તથા તેના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.



