Gondal: જૂના કપડાં આપો, નવી થેલી લઈ જાઓ ‘માય થેલી’ અભિયાનમાં જોડાતી ગોંડલ નગરપાલિકા
તા.૧૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: ગોંડલ નગરપાલિકા દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવાના પ્રયાસરૂપે તમામ ઘરો પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય, તે હેતુસર ગત તા. ૩ જૂનથી આગામી તા. ૩૧ ઓકટોબર સુધી ‘માય થેલી’ અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં દર ગુરૂવાર અને શુક્રવારે નિયત સ્થળોએ સખી મંડળના બહેનો નાગરિકોએ આપેલા જૂના કપડાંમાંથી કાપડની આકર્ષક થેલી સ્થળ પર જ સિલાઈ કરી નિ:શુલ્ક બનાવી આપે છે.
ગોંડલ નગરપાલિકાની ધ નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અને સ્વચ્છ ભારત મિશનની શાખાઓના સંયુક્ત ઉપક્રમે ‘તમારા જૂના કપડાં લઈને આવો અને નવી થેલી લઈને જાઓ’ સૂત્ર સાથે ‘માય થેલી’ અભિયાનની કામગીરી કરાઈ રહી છે. ગોંડલ શહેરમાં મહાકાળી મંદિરની સામે ભગવતીપરા શેરી નં. ૩૧/૧૬માં રહેતા શ્રી ક્રિષ્નાબેન જગદીશભાઈ પારધીના ઘરે દર ગુરૂવાર અને શુક્રવારે સવારે ૧૦ કલાકથી બપોરે ૦૨ કલાક સુધી અને બપોરે ૦૩ કલાકથી સાંજે ૦૬ કલાક સુધી જૂના કપડાં આપીને નવી થેલી મેળવી શકાશે. જેનો શહેરીજનોએ લાભ લેવા ગોંડલ નગરપાલિકાએ અનુરોધ કર્યો છે.