Gondal: ગોંડલવાસીઓને મળી અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયની ભેટ

તા.૩૦/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: વાંચન પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે ગોંડલ ખાતે મહાદેવ વાડીમાં ભુવનેશ્વરી ગેસ્ટ હાઉસની બાજુમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું.
આ પુસ્તકાલય અંગે માહિતી આપતા મદદનીશ ગ્રંથાલય નિયામક એલ. આર. મોઢે જણાવ્યું હતું કે, અહીં અંદાજે ત્રણ હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. વિવિધ વિષયોના ૧૫ જેટલા મેગેઝીન પણ વાચકો વાંચી શકશે. તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના દૈનિક અખબારોની સુવિધા સહિત તમામ સવલતોનો લાભ નાગરિકો નિ:શૂલ્ક લઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંચકો માટે પુસ્તકાલયનો સમય મંગળવારથી શનિવાર, સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૬.૧૦ કલાક સુધી તેમજ રવિવારે સવારે ૮.૦૦ કલાકથી બપોરે ૧૨.૦૦ કલાક સુધી રહેશે. સોમવાર તથા જાહેર રજા નિમિત્તે પુસ્તકાલય બંધ રહેશે.
આ અવસરે શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિર, ગોંડલના આચાર્ય ઘનશ્યામજી મહારાજ તથા ડો. રવિદર્શન મહારાજ, ગોંડલ નગરપાલિકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ રૈયાણી સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







