GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલના લુણીવાવ ગામે રાત્રી સભામાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંદેશ આપ્યો

તા.૨૬/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

યુવાનોને વ્યસન મુક્ત બનાવવા, ભાવિ પેઢીને સશક્ત બનાવવા બાળઉછેર પર ધ્યાન આપવું ખૂબ જરૂરી: રાજ્યપાલશ્રી

સમાજ આપણા શરીર જેવો હોય છે, બધા લોકો સમાન, જાતિભેદ મિટાવીને સામાજિક સમરસતા રાખવા આપી પ્રેરણા

Rajkot, Gondal: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ ખાતે રાત્રી સભામાં ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. આ સાથે તેમણે ઊંચનીચના ભેદ ભુલાવીને સામાજિક સમરસતા જાળવવા તથા યુવાનોને વ્યસન મુક્ત બનવા તેમજ ભાવિ પેઢીને સશક્ત બનાવવા બાળકોનો કાળજીપૂર્વક ઉછેર કરવા પ્રેરણા આપી હતી.

લુણીવાવના ગ્રામજનો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રીએ ઝેરમુકત ખેતી થકી ધરતી માતાની સેવા કરવા આહ્વાન કરતા કહ્યું હતું કે, આવનારી ભાવિ પેઢીને ફળદ્રુપ જમીનનો વારસો આપવો એ આપણી ફરજ છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણ, પાણી, ગૌમાતા અને દેશનું ધન બચશે.

તેમણે કહ્યું હતું કે, આ સમાજ આપણા શરીર જેવો હોય છે. શરીરના તમામ અંગો મહત્વના હોય છે તેમ સમાજમાં પણ દરેક વ્યક્તિ મહત્વની છે. ઊંચનીચના ભેદ ભુલાવીને તેમણે ભાઈચારો રાખવા અને સામાજિક સમરસતા કાયમ બની રહે તે માટે પ્રેરણા આપી હતી. તેમણે દીકરો-દીકરી એક સમાન હોવાનું જણાવીને દીકરીઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવિ પેઢીના ઉદ્ધાર માટે વ્યસનમુક્ત સમાજ નિર્માણ ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે, યુવાનો એ ઘરની સાથે રાષ્ટ્રનું પણ ભવિષ્ય છે. યુવાનોને ખરાબ આદત ના લાગે અને વ્યસનમુક્ત રહે તે જરૂરી છે. ભાવિ પેઢીને સશક્ત અને સંસ્કારી બનાવવા બાળકોનો ઉછેર કાળજીથી કરવો જોઈએ.

આ તકે તેમણે ગામના ખેડૂતોને રાસાયણિક ખેતીને જાકારો આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.

આજે રાજ્યપાલશ્રી આગમન પ્રસંગે ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો ૧૪૭૩ લોકોએ લાભ લીધો હતો. રાજ્યપાલશ્રીના હસ્તે વિવિધ નાગરિકોને યોજનાકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ રાત્રિ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા શ્રી વિજયસિંહ ગુર્જર, ગામના સરપંચ શ્રી રાજેશભાઈ રૂપારેલીયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવમાં અનુસૂચિત જાતિના પરિવારનું આતિથ્ય માણ્યું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવ ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે રાત્રી ભોજન ગ્રહણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ગામના શ્રી જેન્તીભાઈ પરમારના ઘરે પરિવારના સભ્યની જેમ રોટલા, રોટલી, બટેટા, ગાજર, વાલ, લીલી તુવેરનું મિક્સ શાક, દાળ-ભાત, ગોળ, પાપડનું સાદું, સાત્વિક ભોજન આરોગ્યું હતું. આ તકે તેમણે ખૂબ સહજતાથી વડીલ ભાવે આ પરિવારના સભ્યોની પૃચ્છા કરી હતી. તેમણે પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!