GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે સરસ્વતી સન્માન અને નિવૃત શિક્ષક સન્માન સમારોહ – 2026 યોજાયો 

તા.૩૦/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: 29 માર્ચ 2026, રવિવારના રોજ શિક્ષણ અને સેવાના સંગમ સમાન ભવ્ય “સરસ્વતી સન્માન અને નિવૃત શિક્ષક સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે NMMS, CET અને PSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 33 તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રોત્સાહનરૂપે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષણક્ષેત્રે 25 થી 30 વર્ષનું અમૂલ્ય યોગદાન આપનાર 15 જેટલા નિવૃત શિક્ષકોનો આદરપૂર્વક સન્માન કરીને તેમના યોગદાનનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં અનેક ગણ્યમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ સાહેબ, માનનીય પ્રાંત અધિકારી શ્રી ગોંડલ-જેતપુર શ્રી રાહુલ ગમારા સાહેબ, ગોંડલ નગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, બ્રહ્માકુમારીસ ગોંડલના શીતલ દીદી, સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ ગોંડલના પ્રધાનાચાર્ય શ્રી યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબ સહિત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ઉપરાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા રાજકોટના અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલ, મહામંત્રી શ્રી સાગરભાઈ પોપટ, સંગઠન મંત્રી શ્રી મનીષભાઈ માકડિયા, રાજકોટ તાલુકા અધ્યક્ષ શ્રી અરવિંદસિંહ ઝાલા સાહેબ, જિલ્લા કારોબારી શ્રી ઉમેશભાઈ પેથાણી, શ્રી પ્રવિણભાઈ પારખીયા, BRC કોઓર્ડિનેટર શ્રી વિપુલભાઈ પાંચાણી, પ્રકૃતિવિદ શ્રી હિતેષભાઈ દવે તથા દાતા શ્રી રસિકભાઈ ધડુક અને શ્રી નવીનભાઈ ટીલાળા તેમજ તાલુકાના બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ તકે સર્વે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને ભારત માતાના ચિત્રો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાસંઘના મહામંત્રી શ્રી રવિન્દ્રભાઈ સરવૈયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગોંડલના પૂર્વ નગરપાલિકા ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં ગોંડલની ઐતિહાસિક શિક્ષણ પરંપરા અને મહારાજા ભગવતસિંહજીના યોગદાનની નોંધ લઈને શિક્ષણ ક્ષેત્રે ગોંડલની આગવી ઓળખને ઉજાગર કરી હતી. તેમણે નિવૃત શિક્ષકોને આગલા સમયમાં પણ માર્ગદર્શક તરીકે સેવા આપવાની પ્રેરણા આપી હતી.

આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલે સંગઠનના શિક્ષક હિતે થતા કાર્યો, રચનાત્મક કાર્યો અને સેવાભાવના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી તથા ભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવાની ખાતરી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિક્ષિત પટેલ સાહેબે પોતાના માર્ગદર્શનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તથા સરકારી શાળાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે NEP 2020, કોઠારી કમિશન, શિક્ષણના મૂળભૂત આયામો તથા આધુનિક શિક્ષણ વ્યવસ્થાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડી પ્રેરણાદાયક ઉદ્દબોધન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તા. ગોંડલના સંગઠન મંત્રી શ્રી ગૌતમભાઈ હદવાણી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે દીપાલીબેન બગડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના સમાપન પ્રસંગે “વંદે માતરમ” ના 150 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે સમગ્ર ગીતનું ગાન કરી કાર્યક્રમને ભવ્ય રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તા.ગોંડલના અધ્યક્ષ શ્રી આશિષસિંહ વાઘેલા અને મહામંત્રી શ્રી રવિન્દ્રભાઈ સરવૈયા દ્વારા સમગ્ર ગોંડલ ટીમ દ્વારા કરવામાં આવેલી જહેમતને બિરદાવી હતી તેમજ આવા કાર્યક્રમો દ્વારા શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા ઉત્પન્ન થશે તેમજ આ સમગ્ર આયોજન જે પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું એવા શ્રી યોગેન્દ્રસિંહ ઝાલા, પ્રધાનાચાર્ય શ્રી સરસ્વતી શિશુ મંદિર ગોંડલ નો વિશેષ આભાર વ્યકત કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!