
ગોપી ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – કેશોદ દ્વારા આયોજિત “હોળી રસિયા ફુલફાગ” નો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો. “ગો સેવા – માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પવિત્ર સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. શ્રી ઉત્સવપ્રિયજી મહારાજશ્રીના પાવન આશીર્વાદથી યોજાયેલા આ હોળી રસિયા મનોરથમાં ભક્તોએ ઠાકોરજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી વલ્લભપરિવારના રાગી વૈષ્ણવોએ પરંપરાગત હોળી કીર્તનો અને રસિયાઓ રજૂ કરતાં સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. રંગ-રસ અને ભક્તિનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. વિશેષ આકર્ષણરૂપે જામનગરથી પધારેલી બાલકૃષ્ણ યુવા કીર્તન મંડળીના દિલીપભાઈ સંઘાણી તથા તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલા જીવંત કીર્તન-ભજનોને ભક્તજનો દ્વારા ભારે સરાહના મળી હતી. કીર્તનના સ્વરો સાથે ઉપસ્થિત સૌએ ભાવભીનાં ગાનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમ રાત્રે ૮-૦૦ કલાકે પ્રારંભ થયો હતો અને મોડીરાત સુધી ભક્તિરસની ધારા વહેતી રહી હતી. હોળી પ્રસંગને અનુરૂપ ફુલડાંગ અને રસિયાના રંગોથી સજ્જ માહોલમાં ભક્તોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું.ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા મહેમાનો અને વૈષ્ણવ ભક્તોની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ માટે પ્રસાદ અને અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો દ્વારા ગો સેવા અને માનવ સેવાના વિવિધ પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી જ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેને લઈને વૈષ્ણવ સમાજમાં આનંદ અને પ્રસન્નતા વ્યાપી ગઈ હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




