
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી –
સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં ૧૦ જાન્યુઆરીથી લઈને ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે કરૂણા અભિયાન
ભુજ,તા-૦૭ જાન્યુઆરી : દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. કરૂણા અભિયાન એ ૧૦ જાન્યુઆરીથી લઈને ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે.કચ્છ જિલ્લામાં કરૂણા અભિયાનની આગોતરી તૈયારીઓની સમીક્ષાને લઈને પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્માની અધ્યક્ષતામાં ભુજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કરૂણા અભિયાન દરમિયાન પક્ષીઓને સમયસર સારવાર આપીને જીવ બચાવવાને પ્રાથમિકતા સાથે જ જનજાગૃતિ માટેના વિશેષ પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ નાગરિકોને નહીં કરવા શ્રી વર્માએ અપીલ કરી હતી. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી કરવા તેમણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સને સૂચનાઓ આપી હતી.આ બેઠક દરમિયાન નાયબ વન સંરક્ષકશ્રીએ વેટરનરી ડોક્ટર્સ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ, વનવિભાગના વિવિધ ડીવીઝનની ટીમો તેમજ કરૂણા અભિયાન અંતર્ગત હેલ્પલાઈન તેમજ જનજાગૃતિના પ્રયાસો અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ઘાયલ પક્ષીઓને તરત જ સારવાર મળે જેથી તેમનો જીવ બચાવી શકાય તે રીતે કામગીરી કરવા શ્રી વર્માએ જણાવ્યું હતું. એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓની સાથે મહત્તમ બર્ડ કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રો ખોલવા, દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ સ્કૂલના બાળકોને કરૂણા અભિયાન અંગે માહિતગાર કરવા બેઠકમાં જણાવાયું હતું.ઉલ્લેખનીય છે કે, કરૂણા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં આ વર્ષે ૧૬થી વધારે બર્ડ કલેક્શન સેન્ટર ખોલવામાં આવશે. ઘાયલ પક્ષી વિશે નાગરિકો તરત જ સેન્ટ્રલ હેલ્પલાઈન નંબર ૧૯૨૬ ઉપર સંપર્ક કરી શકશે. આ સિવાય તાલુકાવાઈઝ હેલ્પલાઈન સેન્ટરને એક્ટિવ કરવામાં આવશે. જેની વિગતો નાગરિકો ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કોલ કરીને મેળવી શકશે. કચ્છ જિલ્લામાં વનવિભાગ, વેટરનરી ડોક્ટર્સ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને ૫૦૦થી વધારે લોકોની ટીમ કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓનો જીવ બચાવશે. મોબાઈલ મેડીકલ કીટથી ઘાયલ પક્ષીને ઘટનાસ્થળે તેમજ કલેક્શન સેન્ટરના રૂટ દરમિયાન જ સારવાર આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ વન વિભાગ ઊભી કરાશે.આ બેઠકમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરશ્રી તપન વોરા, નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, પશુપાલન વિભાગના પ્રતિનિધિશ્રી ડૉ. હર્ષ સોલંકી, મદદનીશ વન સંરક્ષકશ્રી ભરત ચૌધરી અને પી.એમ.વાઘેલા સહિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.





