
વાત્સલ્યમ્ સમાચાર
પૂજા ઠક્કર મુંદરા કચ્છ
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ વગર પણ સ્થાનિક કક્ષાના ઉમેદવારોથી શિક્ષકોની ભરતી કરવા મંજૂરી અપાઈ
મુંદરા :
રાજ્યની અન્ય માધ્યમની (ગુજરાતી માધ્યમ સિવાયની) સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા અને બાળકોનું શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના તાજેતરના પરિપત્ર મુજબ જે શાળાઓમાં ટેટ-૧/૨ પાસ ઉમેદવારો ઉપલબ્ધ નથી અથવા જ્ઞાન સહાયક યોજના હેઠળ જગ્યાઓ ખાલી છે ત્યાં હવે ટેટ પરીક્ષા પાસ ન હોય તેવા લાયક સ્થાનિક ઉમેદવારોની ૧૧ માસના કરાર આધારિત નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ માટે ધોરણ-૧૨ અને પી.ટી.સી.ની લાયકાત ધરાવતા તથા ધોરણ ૬ થી ૮ માટે સ્નાતક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ખાસ કરીને જે તે માધ્યમમાં અભ્યાસ કરેલ હોય તેવા સ્થાનિક ઉમેદવારોને ભરતીમાં અગ્રિમતા આપવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને જ્ઞાન સહાયક યોજનાના ધારાધોરણ મુજબ માસિક રૂા. ૨૧,૦૦૦/- ફિક્સ માનદવેતન ચૂકવવામાં આવશે.
ભરતી પ્રક્રિયાની કાર્યરીતી અંગે જણાવતા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીની સૂચના મુજબ સંબંધિત શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સ્થાનિક કક્ષાએથી અરજીઓ મંગાવવામાં આવશે. ધોરણ ૧ થી ૫ માટે પી.ટી.સી.ના ગુણના આધારે અને ધોરણ ૬ થી ૮ માટે બી.એડ.ના ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરી પારદર્શક રીતે નિમણૂક અપાશે. આ નિમણૂક ૧૧ માસના કરાર માટે અથવા તે જગ્યા પર કાયમી શિક્ષક હાજર ન થાય ત્યાં સુધી બે માંથી જે વહેલું હોય તે સમયગાળા માટે રહેશે. આ નિર્ણયથી અન્ય ભાષાકીય માધ્યમની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહેશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




