જીટીયુના 15મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી સંબોધન: સંવેદનશીલતા વિના શિક્ષણ પથ્થર સમાન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના 15મા દીક્ષાંત સમારોહનું આયોજન અમદાવાદના સાયન્સ સિટી ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને જીટીયુના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત તથા નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી સંદેશ આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે જો ભણેલી વ્યક્તિ બીજાના દુઃખને ન સમજી શકે, તો આવું શિક્ષણ પથ્થર સમાન છે.
આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણનો હેતુ માત્ર ડિગ્રી મેળવવો કે ભૌતિક સુખ-સુવિધાઓ હાંસલ કરવો નથી, પરંતુ માનવીમાં કરુણા, સંવેદનશીલતા, ઈમાનદારી અને નૈતિક મૂલ્યો વિકસાવવાનો છે. તેમણે વિદ્યાર્થીઓને ટેકનિકલ કુશળતા સાથે માનવ મૂલ્યો અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
રાજ્યપાલે દેશની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે લગભગ 11 વર્ષ પહેલાં ભારત વિશ્વનું 11મું અર્થતંત્ર હતું, જ્યારે આજે મજબૂત નેતૃત્વ અને દ્રઢ સંકલ્પના કારણે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને ત્રીજા સ્થાને પહોંચવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજે ભારતના રેલવે સ્ટેશન, એરપોર્ટ અને રોડ નેટવર્ક દુનિયાના અનેક વિકસિત દેશોને ટક્કર આપે છે, જેના કારણે વિકાસની ગતિ વધુ તેજ બની છે.
દીક્ષાંત સમારોહની થીમ ‘સ્વદેશી’ અને ‘આત્મનિર્ભર’નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આપણે વિદેશ ભણવા જતાં સંતાનો પર ગર્વ કરીએ છીએ, પરંતુ સાથે સાથે ભારતની સંસ્કૃતિ, જ્ઞાન પરંપરા અને મૂલ્યો પર પણ ગર્વ હોવો જોઈએ. એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વ ભારતને જ્ઞાન અને સંસ્કારની ધરતી તરીકે ઓળખતું હતું.
તેમણે નવી શિક્ષણ નીતિ 2020નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ નીતિ શિક્ષણને માત્ર રોજગાર કેન્દ્રિત નહીં પરંતુ જીવન કેન્દ્રિત બનાવે છે. સાચું શિક્ષણ તે છે, જે મનને શાંતિ અને સંતોષ આપે. વડાપ્રધાનના ‘વિકાસ પણ, વિરાસત પણ’ મંત્રને યાદ અપાવતા તેમણે જણાવ્યું કે ભૌતિક સુવિધાઓ વધવા છતાં જો માનસિક શાંતિ ન હોય, તો વિકાસ અધૂરો છે.
આચાર્ય દેવવ્રતે ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ના વિચારને ભારતીય સંસ્કૃતિનું મૂળ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે ભારતે ક્યારેય બીજાના પ્રદેશો જીતવા માટે સેનાઓ મોકલી નથી, પરંતુ જ્ઞાનના માધ્યમથી વિશ્વના હૃદય જીત્યા છે. તેમણે યુવાનોને ગુલામીની માનસિકતા છોડીને પોતાની ભાષા, સંસ્કૃતિ અને વેશભૂષા પર ગર્વ કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષ ચૌહાણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે ટેકનોલોજી સામાજિક પરિવર્તનનું શક્તિશાળી સાધન છે, પરંતુ સફળતાનો આધાર માનવ મૂલ્યો, પારદર્શિતા અને વિશ્વાસ પર છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જવાબદારી વિનાની શક્તિ જોખમી બની શકે છે અને વિશ્વાસ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, જેને ગુમાવ્યા બાદ ફરી મેળવવી મુશ્કેલ હોય છે.
જીટીયુના કુલપતિ રાજુલ ગજ્જરે યુનિવર્સિટીની પ્રગતિ વિશે માહિતી આપતાં જણાવ્યું કે સંશોધન, નવાચાર અને ઉદ્યોગ સાથેના સંકલન દ્વારા જીટીયુ રાજ્ય અને દેશ માટે ગુણવત્તાયુક્ત ટેકનિકલ માનવ સંસાધન તૈયાર કરી રહી છે. તેમણે ઉમેર્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ આજે પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને તેમના પ્રમાણપત્રો ડિજિલોકરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
કુલસચિવ કે.એન. ખેરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આજથી વિદ્યાર્થીઓના જીવનમાં નવી જવાબદારીઓ સાથેનો નવો અધ્યાય શરૂ થાય છે. તેમણે ‘સ્વદેશી’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ રહેવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ દીક્ષાંત સમારોહમાં જીટીયુની વિવિધ વિદ્યાશાખાના કુલ 36,935 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત 70 સંશોધકોને પી.એચ.ડી. ડિગ્રી અને 147 વિદ્યાર્થીઓને સ્વર્ણપદક આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોએ પ્રદર્શનમાં લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને નવીન શૈક્ષણિક અને ટેકનિકલ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બી.એચ. તલાટી, જીટીયુના પ્રાધ્યાપકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











