અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, 26 આરોગ્યકર્મીઓનું સન્માન અને ‘સિવિલની સ્વાસ્થ્ય સુધા’ પુસ્તકનું અનાવરણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડીસીટી કેમ્પસ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર અને ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. અસ્મિતા ભવનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે આરોગ્ય કમિશનર ડો. રતન કંવર ગઢવીચારણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કુલ 26 આરોગ્યકર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલની છેલ્લા બે વર્ષોની કામગીરી, સિદ્ધિઓ અને સેવાઓનું સંકલન રજૂ કરતી ‘સિવિલની સ્વાસ્થ્ય સુધા’ પુસ્તકની તૃતીય આવૃત્તિનું અનાવરણ અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ કર્યું હતું.
આ ઉપરાંત, પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા બ્લેડર એક્સ્ટ્રોફી વિષય પર તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ પુસ્તક સિવિલ હોસ્પિટલ તેમજ દેશની તબીબી સિદ્ધિઓ માટે ગૌરવરૂપ હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.
અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંવિધાનના 77મા વર્ષમાં પ્રવેશ કરતી વેળાએ દરેક નાગરિકે પોતાના હકોની સાથે ફરજો પ્રત્યે પણ એટલી જ જાગૃતતા રાખવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દરેક દર્દી સાથે સંવેદના, સહાનુભૂતિ અને માનવતાપૂર્વક વર્તન થાય તે માટે તમામ સ્ટાફે વિશેષ કાળજી લેવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને ઉદ્ધૃત કરી કર્મચારીઓને પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી.
આરોગ્ય કમિશનર ડો. રતન કંવર ગઢવીચારણે પોતાના ઉદબોધનમાં સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અને લાખો દર્દીઓ માટેની અંતિમ આશા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીં મોટી આશા સાથે આવે છે, તેથી આ હોસ્પિટલની આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે તમામ સ્ટાફે નિષ્ઠાપૂર્વક અને સમર્પિત ભાવથી કામગીરી કરવી જરૂરી છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ સ્વાગત પ્રવચનમાં વર્ષ દરમિયાન થયેલી ઓપીડી, ઇન્ડોર સારવાર, શસ્ત્રક્રિયાઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાની અંગદાન સંબંધિત કામગીરીનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો. તેમણે તમામ સંલગ્ન હોસ્પિટલોના વતી સરકાર અને વિભાગની અપેક્ષાઓ પર ખરા ઉતરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. મીનાક્ષી પરીખ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. પ્રાંજલ મોદી, ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો. રૂપલ શાહ, સ્પાઈન હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પિયુષ મિત્તલ, જી.સી.આર.આઈ.ના પ્રતિનિધિ ડો. પ્રીતિ સંઘવી, અધિક તબીબી અધિક્ષક ડો. જસ્મીન દિવાન તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડો. હીરલ શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ, તબીબી સ્ટાફ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય ગૌરવ, સેવાની ભાવના અને આરોગ્યસેવામાં ઉત્કૃષ્ટતા માટેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપતો રહ્યો હતો.






