
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર મુંદરા કચ્છ.
કચ્છ યુનિવર્સિટીમાં માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી : ભાષાશુદ્ધિ માટે કુલપતિ ડો. મોહન પટેલનો અનુરોધ
ભુજ, તા. 5:
ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત ‘માતૃભાષા સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા ‘માતૃભાષા મહોત્સવ ૨૦૨૬’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ‘અક્ષરભવન’ ખાતે કુલપતિ ડો. મોહનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીતથી કરવામાં આવી હતી. પ્રસંગ પરિચય આપતા ડો. હિનાબેન ગંગરએ વિશ્વ માતૃભાષા દિવસના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે અકાદમીના પ્રયાસોથી છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકલ્પ સતત વેગ પકડી રહ્યો છે.
અધ્યક્ષીય ઉદબોધનમાં કુલપતિ ડો. મોહનભાઈ પટેલે કચ્છને નવી ત્રણ સરકારી કોલેજો મળવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને માતૃભાષાનું મૂલ્ય સમજાવતા જણાવ્યું હતું કે સાહિત્યને આધુનિક પરિપ્રેક્ષ્યમાં જોવું અનિવાર્ય છે. વધુમાં તેમણે લખાણમાં થતી જોડણી ભૂલો અને વ્યાકરણના દોષો નિવારવા વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
મુખ્ય વક્તા ડો. પૂર્વી ગોસ્વામીએ ધ્રુવ ભટ્ટ, લાભશંકર ઠાકર અને અશરફ ડબાવાલા જેવા દિગ્ગજ સર્જકોની કૃતિઓનો આસ્વાદ કરાવ્યો હતો. તેમણે કાવ્યમાં રહેલી વિશિષ્ટ શૈલી વિશે ચર્ચા કરી વિદ્યાર્થીઓને ગુજરાતી કાવ્ય સાહિત્યને સમજવા નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો.
લાલન કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. મનોજ છાયાએ માતૃભાષાની સાંપ્રત સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિસરાયેલા ગુજરાતી શબ્દો અને પ્રાદેશિક અસરોને કારણે ભાષામાં આવતી ભેળસેળ વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી.
અતિથિ વિશેષ અને ગુજરાતી વિભાગાધ્યક્ષા ડો. કાશ્મીરાબેન મહેતાએ જણાવ્યું હતું કે માતૃભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પણ એમાં રહેલા ગુપ્ત સંકેતો અપાર આત્મીયતા પૂરી પાડે છે. કાર્યક્રમના અંતે સંયોજક ડો. નિર્દેશ બૂચે માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામભાઈ કાગએ સંભાળ્યું હતું જ્યારે નંદીની હરસાણીયાએ આભારવિધિ કરી હતી.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



