GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ માહિતી કચેરી અને રોજગાર વિનિમય કચેરીના સયુંકત ઉપક્રમે “વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શક” સેમિનાર યોજાયો

તા.૭/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આનંદમય કન્યા વિદ્યાલયની દીકરીઓ રસપ્રદ પ્રવૃત્તિઓ અને સંવાદો સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે થઈ માહિતગાર

Rajkot: આજની પેઢી શાળાકીય જીવનમાં જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી પરિચિત થાય તેમજ વર્તમાનની સાથે ભવિષ્યમાં સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુસર રાજકોટ માહિતી કચેરી અને રોજગાર વિનિમય કચેરીના સયુંકત ઉપક્રમે આનંદમય કન્યા વિદ્યાલય ખાતે “વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શક” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકાબહેન પરમારે આનંદમય કન્યા વિદ્યાલયની દીકરીઓ સાથે રસપ્રદ પ્રવૃત્તિઓ થકી સંવાદ સાધતાં વિદ્યાર્થીનીઓને સરકાર અને નાગરિકોને જોડતી કડી સમાન માહિતી અને પ્રસારણ વિભાગની વિવિધ કામગીરીનો પરિચય આપ્યો હતો. તેમજ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનો વિશે માહિતગાર કર્યા હતા. તેમજ ધો. ૧૦ અને ૧૨ પછી કારકિર્દી ઘડતર માટે ચાવીરૂપ ભૂમિકા ભજવતા માહિતી ખાતાના “રોજગાર કારકિર્દી વિશેષાંક” પ્રકાશનની અગત્યતા વિશે સમજ પૂરી પાડી હતી. ઉપરાંત રાજ્ય સરકારની શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાયલક્ષી સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થવાથી સ્વની સાથે અન્યના જીવનમાં પણ ખુશીઓ લાવી શકીએ છીએ તેની તલસ્પર્થી ચર્ચા કરી હતી.

વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતાં શાળા સલાહકાર શ્રી ભાવનાબેન ભોજાણીએ દરેક દીકરીઓએ પોતાની અંદર સમાયેલી શક્તિઓને પિછાણીને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ દેશ વિદેશમાં વિવિધ ક્ષેત્રે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈને સફળતાના શિખરો સર કરેલી પ્રતિભાશાળી મહિલાઓના દ્રષ્ટાંત સંભળાવ્યા હતા. તેમજ શિક્ષણ અને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતગાર થઈને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા કહ્યું હતું.

વધુમાં મદદનીશ નિયામક રોજગાર કચેરીથી ઉપસ્થિત રહેલા શ્રી રાજેશભાઈ ચૌહાણે રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતગાર કરીને ધોરણ ૧૦-૧૨ પછી શું કરવું ? તે બાબતે કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત વિદેશમાં શિક્ષણ અને રોજગારી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ અને વિઝા અંગેની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, શાળાની વિદ્યાર્થીનીઓને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, લોકમેળા, આદિવાસી સંસ્કૃતિ સહિતના વિવિધ પ્રકાશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!