AHAVADANGGUJARAT

નવસારીના ચીખલી ખાતે નાણામંત્રી કનુભાઈના અધ્યક્ષસ્થાને “જનજાતીય ગૌરવ દિવસ”ની ભવ્ય ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*આદિવાસીઓનું હિત વડાપ્રધાનશ્રીના હૈયે વસ્યું છે.-નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે “જનજાતીય ગૌરવ દિવસ”ની ભવ્ય ઉજવણી નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી.

નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે ઉપસ્થિતિ સૌને જનજાતિય દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં ગ્રોથ એન્જીન બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી કાળ થી જ આપણા આદિજાતિ વિસ્તારોમાં અનેક પ્રવાસો કર્યા છે જેના કારણે તેઓ આ વિસ્તારના પ્રશ્નોથી વાકેફ છે. જેના કારણે દેશના પ્રધાનમંત્રીશ્રી તરીકેનો પદભાર સાંભળતા જ તેમણે આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ ઘડી છે. જે દર્શાવે છે કે, આદિવાસીઓનું હિત વડાપ્રધાનશ્રીના હૈયે વસ્યું છે.વધુમાં તેમણે વર્તમાન સરકાર દ્વારા આદિજાતિ સમુદાય માટે રજૂ કરવામાં આવેલ બજેટ, બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સીટી, વનબંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, પીએમ-જનમન આવાસ, હોસ્ટેલ, મલ્ટી-પરપઝ સેન્ટર તથા વીજળીકરણ, ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે મંત્રીએ “ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ – જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી”ની ફરી શુભકામનાઓ પાઠવતાં નવસારી જિલ્લાના આદિવાસી ભાઈ-બહેનો વિકાસની અગ્ર હરોળમાં રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં રાજકોટ ધારાસભ્યશ્રી ઉદય કાનગડએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર આદિજાતિ સમાજ માટે ગૌરવનો દિવસ છે. આદિવાસી સમાજ જેને ભગવાન મને છે તેવા ભગવાન બિરસા મુંડાજીની આજે ૧૫૦મી જન્મજયંતિ છે ત્યારે તેઓના જીવન સંઘર્ષ ઉપરથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજ પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે.આ પ્રસંગે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લાભો, સન્માન પત્રો વિતરણ કરાયા હતા.આ સાથે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાથી ‘જનજાતીય ગૌરવ દિવસ’ના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિ સૌએ નિહાળી કાર્યક્રમમાં સહભાગી થયાં હતા.આ અવસરે ચીખલી તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નૃત્ય મંડળીઓ દ્વારા સાંસ્કૃતિક વંદના, તૂર નૃત્ય, આદિજાતીય પરંપરાગત નૃત્યો અને બિરસા મુંડાના જીવન સંઘર્ષ પર આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જેને ઉપસ્થિત લોકસમૂહે બહોળો પ્રતિસાદ આપ્યો હતો.

કાર્યક્રમમાં ઈંચા.કલેક્ટરશ્રી પુષ્પ લતા, આદિજાતિ અધિકારી, મામલતદારશ્રી ચીખલી, જિલ્લા અને તાલુકાના પ્રતિનિધિઓ, જિલ્લા અધિકારી-કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની સફળતા માટે જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક આગેવાનો, શાળા સંસ્થાઓ, તાલુકા અને ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓનો સક્રિય સહકાર નોંધપાત્ર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!