
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત મહિલાઓ માટે ૧૦ દિવસીય સ્વરક્ષણ અને રાઈફલ શૂટિંગ તાલીમનો ભવ્ય પ્રારંભ
મુંદરા,તા.20: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસના એસ.પી. શ્રી વિકાસ સુંડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ મુંદરા ખાતે ‘સુરક્ષા સેતુ’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે ૧૦ દિવસીય વિશેષ સ્વરક્ષણ (Self-Defense) અને રાઈફલ શૂટિંગ તાલીમ શિબિરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રેરણાદાયી અભિયાનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં સમગ્ર પશ્ચિમ કચ્છમાં અંદાજે ૧૨,૦૦૦ જેટલી દીકરીઓ અને મહિલાઓએ આત્મરક્ષણની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ તાલીમ દ્વારા બહેનોમાં આત્મવિશ્વાસનો નવો સંચાર થયો છે અને તેઓ શારીરિક તેમજ માનસિક રીતે વધુ મજબૂત બની છે.
મુંદરા ખાતે યોજાયેલ આ શિબિરમાં સુરતના જાણીતા જુડો પ્લેયર અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ તેમજ નિર્મલા મહેશ્વરી દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. તેઓ દીકરીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની ટેકનિક્સ અને રાઈફલ શૂટિંગના કૌશલ્યો શીખવી રહ્યા છે.
આ સરાહનીય કાર્યક્રમનું આયોજન યશ ફાઉન્ડેશન (ધ્રબ) અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ (મુંદરા) ના સંયુક્ત ઉપક્રમે મુંદરાના ઉમરશાહ બાબા વાડી (ઈદગાહ) ખાતે કરવામાં આવ્યું છે. આ તાલીમની મુખ્ય વિશેષતા એ છે કે ૧૦ દિવસનો કોર્સ પૂર્ણ કરનાર દરેક તાલીમાર્થી બહેનોને સરકાર માન્ય સર્ટિફિકેટ (Government Certificate) એનાયત કરવામાં આવશે.
આ આધુનિક સમયમાં મહિલાઓ માત્ર ઘર પૂરતી સીમિત ન રહેતા રાઈફલ શૂટિંગ જેવા સાહસિક કૌશલ્યો શીખીને સશક્તિકરણની એક નવી અને ઉમદા દિશા તરફ ડગ માંડી રહી છે જે સમાજ માટે ગૌરવની બાબત છે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




