GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦’નો ભવ્ય પ્રારંભ: જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મહીસાગર જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦’નો ભવ્ય પ્રારંભ: જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
***
અમીન કોઠારી મહીસાગર

આજે ૨૪ માર્ચ, ‘વિશ્વ ક્ષય દિવસ’ (World TB Day) નિમિત્તે ભારત સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં “ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦ – ૧૦૦ દિવસીય ઝુંબેશ”નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિધ્ધાર્થ દ્વારા જિલ્લા સેવા સદનથી અર્બન હેલ્થ સેન્ટર સુધીની એક વિશાળ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ ૧૦૦ દિવસીય સધન ઝુંબેશનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી પહોંચી, ટીબીના કેસોનું વહેલું નિદાન અને સચોટ સારવાર પૂરી પાડવાનો છે. ટેક્નોલોજીના માધ્યમથી ટીબી નિર્મૂલનની પ્રગતિને વેગ આપી વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનું આયોજન છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં જિલ્લાના નક્કી કરવામાં આવેલા ૧૭૭ હાઈ રિસ્ક ગામોમાં ૧૦૦ ટકા એક્સ-રે (X-Ray) સ્ક્રીનિંગ કરવામાં આવશે. ટીબી સ્ક્રીનિંગ માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સક્ષમ હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેથી ત્વરિત નિદાન શક્ય બને.મોબાઈલ મેડિકલ યુનિટ્સને ‘નિક્ષય વાહન’ તરીકે ઉપયોગમાં લઈ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી તપાસની સુવિધા પહોંચાડવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ‘આયુષ્માન આરોગ્ય શિબિરો’નું આયોજન કરવામાં આવશે, જેમાં બીપી, સુગર અને હિમોગ્લોબિનની તપાસ સાથે છાતીનો એક્સ-રે અને NAAT ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એન.જી.ઓ., અને ‘My Bharat’ સ્વયંસેવકોને જોડીને જનઆંદોલન ઊભું કરવામાં આવશે. ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ‘નિક્ષય મિત્રો’ દ્વારા ન્યુટ્રીશન કીટ્સ પૂરી પાડવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. “ટીબી હારેગા, દેશ જીતેગા”ના નારા સાથે સમગ્ર જિલ્લામાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!