
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી મુંદ્રા પોર્ટથી ભવ્ય આધ્યાત્મિક મહાયાત્રાનો પ્રારંભ: અદાણી શ્રીમદ ભાગવત કથાનો સંદેશ ભારત અને નેપાળમાં લઈ જવાની અનોખી પહેલ
મુંદ્રા, ૨૮ માર્ચ ૨૦૨૬: કચ્છની ધરતીથી આધ્યાત્મિકતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ લઈને એક ભવ્ય મહાયાત્રા આજે પ્રસ્થાન કરી રહી છે. અદાણી પોર્ટ્સ, મુંદ્રા ખાતેથી આજે ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ ભારતના ૧૨ જ્યોતિર્લિંગ, ૪ ધામ તથા નેપાળના વિશ્વવિખ્યાત પશુપતિનાથ મહાદેવના દર્શનાર્થે મહાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
યાત્રાનો શુભારંભ મુંદ્રા કસ્ટમ્સ કમિશનર શ્રી નીતિન સૈનીના હસ્તે ફ્લેગ-ઓફ કરી કરવામાં આવ્યું હતું. આ અવસરે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહ અને અદાણી મુંદ્રા-તુણા પોર્ટના સીઈઓ શ્રી સુજલ શાહ વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા.
આ મહાયાત્રા મુંદ્રા કચ્છના ચાર સેવાભાવી વ્યક્તિઓ — કપિલ ગોર, હરિનાથ નાથબાવા, મુકુંદનાથ નાથબાવા અને સાવનગિરી ગોસ્વામી — દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ચારેય યાત્રીઓ એકતા, ભક્તિ અને સમાજસેવાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
યાત્રાના મુખ્ય આકર્ષણ તરીકે ભારતના બાર જ્યોતિર્લિંગો અને ચાર ધામોના દર્શન સાથે નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરના દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આધ્યાત્મિક સફર મુંદ્રા અદાણી પોર્ટ્સથી શરૂ થઈને અહીં જ સમાપ્ત થશે.
“નો પ્લાસ્ટિક – સેવ નેચર” ના સંદેશ સાથે અનોખી પહેલ: આ મહાયાત્રા માત્ર આધ્યાત્મિક નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષાનો પણ મજબૂત સંદેશ લઈને જઈ રહી છે. યાત્રા દરમિયાન “No Plastic – Save Nature” અભિયાન હેઠળ સમગ્ર ભારતમાં પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવશે.
આ ભારત-નેપાળ યાત્રા અદાણી ગ્રુપ દ્વારા તાજેતરમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાથી પ્રેરિત છે. તે કથા સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત હતી, જેમાં ૧ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે કથા દરમિયાન પ્રસાદી માટે પરંપરાગત સ્ટીલના વાસણો, છાસ અને પાણી માટે માટીના કુલ્લડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન આપતા આ આયોજનને કચ્છમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો.
પ્લાસ્ટિક-ફ્રી ભાગવત કથાના આધ્યાત્મ અને પર્યાવરણ આ સંદેશને કચ્છની સીમાઓ વટાવી સમગ્ર ભારત અને નેપાળમાં ફેલાવવાના હેતુથી આ મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા ભક્તિ, સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણના અનોખા સંયોજનનું પ્રતીક બનીને સમગ્ર દેશમાં પ્રેરણાનો સ્ત્રોત બનવાની અપેક્ષા છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




