
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટ બન્યું વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું માર્ગદર્શક
મોડાસિયા પરગણાના ૪૪ ગામોના ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને મેન્ટલ હેલ્થ સેમિનાર યોજાયો
અરવલ્લી શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટ, મોડાસા દ્વારા મોડાસિયા પરગણાના ૪૪ ગામોના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, પ્રોત્સાહન તથા માનસિક સ્વાસ્થ્ય વિષયક વ્યાપક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનમાં યોજાયો હતો.સેમિનારમાં ‘સંકલ્પ’ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, અરવલ્લી સાથે સંકળાયેલા ડૉ. ભરતભાઈ પરમારે વિદ્યાર્થિનીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓના હિતના કાયદા, કારકિર્દી માર્ગદર્શન, સાયબર ગુનાઓથી બચાવ તેમજ વ્યક્તિગત સલામતી અને સુરક્ષા અંગે ઉપયોગી અને માર્ગદર્શક માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મદદનીશ નિરીક્ષક શ્રી જગદીશભાઈ પરમારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ઊભા થતા મૂંઝવતા પ્રશ્નો, તૈયારીની યોગ્ય રણનીતિ, સમય વ્યવસ્થાપન તથા પરીક્ષામાં રાખવાની જરૂરી સાવચેતી અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું.
અરવલ્લી જિલ્લા કલેકટર કમિટી ફોર મેન્ટલ હેલ્થ મેમ્બર મુકેશ પરમારે અભ્યાસકાળ દરમિયાન માનસિક સંતુલન જાળવવાની આવશ્યકતા, ક્રોધ નિયંત્રણ, ભાવનાત્મક સ્થિરતા, માનસિક આવેગો તેમજ માનસિક વિકારોની શરૂઆતમાં ઓળખ અને તેના નિવારણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું
કાર્યક્રમમાં શિક્ષણનું મહત્વ, વિદ્યાર્થીઓને પડકારરૂપ બનેલા પ્રશ્નોના નિવારણ, ધોરણ ૧૦ અને ૧૨ પછીના કારકિર્દી વિકલ્પો તથા માનસિક સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અરવલ્લી શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટની કમિટીના સભ્યો દ્વારા અત્યંત સુવ્યવસ્થિત અને પ્રશંસનીય રીતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના તમામ કમિટી સભ્યોના આયોજનાત્મક કુશળતા, સહકાર અને સતત પ્રયત્નોના પરિણામે આ સેમિનાર સફળતાપૂર્વક યોજાઈ શક્યો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.ઉપરોક્ત કાર્યક્રમમાં વિવિધ સમાજવિંદો, સામાજિક કાર્યકરો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં પરીક્ષા અને ભવિષ્ય અંગેનો ભય દૂર થવા સાથે શિક્ષણ પ્રત્યે નવી દિશા, જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસ્યો હોવાનું પ્રતિસાદ મળ્યો હતો.




