Rajkot: ખામટાની શ્રી કન્યા વિદ્યાલયની ૪૩૦ વિદ્યાર્થિનીઓને અપાયેલું કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન

તા.૧૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “વર્લ્ડ યુથ સ્કિલ ડે”ની ઉજવણીના ભાગરૂપે વ્યવસાયિક માર્ગદર્શન સંસ્થા અમદાવાદ- રાયખડ અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પડધરી તાલુકાના ખામટા ગામની શ્રી કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શાળા સલાહકાર શ્રી ભાવનાબેન ભોજાણીએ “વર્લ્ડ યુથ સ્કિલ ડે” અન્વયે વિદ્યાર્થીઓ સ્કિલ બેઇઝ અભ્યાસક્રમોમાં રસ દાખવે તે માટે સફળ ઉદ્યોગ સાહસિક મહિલાઓના જીવનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ધો. ૧૦ અને ૧૨ પછીના અભ્યાસક્રમોની પસંદગી સહિત કારકિર્દી ઘડતરમાં ઉપયોગી સરકારીની વિવિધ યોજનાઓ, જી.પી.એસ.સી અને યુ.પી.એસ.સી. સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી પુસ્તકો અને અન્ય જરૂરી માહિતી આપી હતી.
ઉપરાંત, તેઓએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મનોબળ મજબુત બનાવવા ધ્યાન, યોગ અને કસરત કરવા સહિતની બાબતો અંગે જણાવ્યું હતું. આ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્કિલ બેઇઝ વોકેશનલ સબ્જેક્ટમાં એપેરલ અને બ્યુટી એન્ડ વેલનેસનો ટ્રેડ પસંદ કર્યો છે. કાર્યક્રમમાં એપેરલ ટ્રેડના વિદ્યાર્થીઓએ બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડમાં શીખેલા અનુભવો અને ફાયદાઓ અંગે જણાવ્યું હતું. સેમિનારનું સંચાલન શ્રી કિરણબેન બાદીયા અને આભારવિધિ શ્રી કિરણબેન વાઢેરે કરી હતી. સેમિનારમાં વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી સરોજબેન પટેલ, શાળાના ૧૩ શિક્ષકશ્રીઓ અને ૪૩૦ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.






