GUJARATNAVSARI

નવસારી જિલ્લાના ખેડૂતોને ડાંગર પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ડાંગર પાકમાં રોગ-જીવાત આવવાથી ઓછું ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ નિવારવા નવસારી જિલ્લાના ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

માર્ગદર્શિકા અનુસાર ફેરરોપણીના 30 દિવસ બાદ હેકટરે 30 ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મુકવી તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવી. ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશપિંજર ગોઠવવી જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (ફૂંદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારા અને પાનવાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૦.૫ થી ૧.૦ લાખ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી.

ગાભમારાની ઈયળ ડાંગરના થડમાં અંદર ભરાઈ રહી નુકસાન કરતી હોવાથી રોપણી પછી ૩૦-૩૫ દિવસે દાણાદાર કીટનાશક જેવાં કે, કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪જી હેક્ટરે ૨૦ કિલો અથવા કલોરાન્ટ્ર નિલીપ્રોલ ૦.૪ દાણાદાર હેકટરે ૧૦ કિ.ગ્રા. મુજબ રેતી સાથે ભેળવી પાણી નિતારીને જમીનમાં આપવું અને જરૂર જણાય ૧૫ દિવસ બાદ ફરીથી કીટનાશકનો ઉપયોગ કરવો. પાન વાળનાર અને ગાભામારાની ઈયળનો ઉપદ્રવ શરૂ થયેથી પ્રવાહી કીટનાશકો જેવાં કે, કલોરાન્ટ્રાનિલી પ્રોલ ૧૮.૫ એસસી (૩ મિલી/૧૦ લી. પાણી) અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૭૫ એસજી (૧૦ ગ્રામ/ ૧૦ લી. પાણી) મુજબ છંટકાવ કરવો અને જરૂર જણાય તો બીજો છટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

ચૂસિયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી કોરું ભીનું કરવું. જ્યારે ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ (૩ મિલી/૧૦ લી. પાણી) અથવા થાયોમિથોક્ઝામ ૨૫ ડબલ્યુજી (૨ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી (૬ મિલી ૧૦ લી. પાણી) હેકટર દીઠ ૪૦૦ થી ૫૦૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો.

લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે જરૂરી નિતાર વ્યવસ્થા ગોઠવવી.વધુમાં, ખેતરમાં શેઢા પાળા ઉપર ઘાસ/કચરાની ઢગલીઓ કરવી અને દિવસ દરમ્યાન ઢગલીઓ નીચે સંતાયેલી ઈયળો એકઠી કરી નાશ કરવો. વધુ ઉપદ્રવ જણાયેથી ક્વિનાલફોસ ૧.૫% ભુકારૂપ કીટનાશક (૨૫ કિ.ગ્રા. પ્રતિ હે.)નો છંટકાવ સાંજના સમયે કરવો.

ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો ક્વિનાલફોસ ૨૫% ઇસી ૨૦ મિલી ૧૦ લી. પાણી સાથે મિશ્ર કરી નુકસાન પામેલ વિસ્તાર (ટાલા)માં જ છટકાવ કરવો.

પાનની કથીરી જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો કથીરીનાશક જેવી કે, ઈથીઓન ૫૦ ઇસી (૧૦ મિલી/૧૦ લી પાણી) અથવા ફેનપાયરોક્સીમેટ ૫ એમસી (૧૦ મિલી ૧૦ લી. પાણી) અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી (૧૦ મિલી ૧૦ લી. પાણી) અથવા સ્પાયરોમેસીફેન ૨૪૦ એસસી (૧૦.૦ મિલી/૧૦ લી. પાણી) ક્લોરકેન પાયર ૧૦ એસસી (૧૫ મિલી/૧૦ લી. પાણી)નો છંટકાવ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ તથા વધુ જાણકારી માટે જેતે વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સપર્ક કરવા નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!